પ્રશાંત ગજ્જર, વડોદરા: વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત દુકાન ફાળવવાના નામે આર્થિક છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરની એક ખાનગી શાળાની શિક્ષિકા પાસેથી દુકાનના સોદા અને દસ્તાવેજ પેટે રૂ.12 લાખ પડાવી લઈ વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ઘટનામાં ભાજપના અગ્રણી રાકેશ જોષીના પુત્ર કશ્યપ જોષી સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગોરવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના ગોત્રી વિસ્તારમાં પંચામૃત સોસાયટી નજીક શૈલી એપાર્ટમેન્ટમાં રહેતાં 56 વર્ષીય સંધ્યાબેન જાધવ ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આશરે બે વર્ષ અગાઉ તેઓ હરિનગર ચાર રસ્તા નજીક ગેરેજ ધરાવતા જીમી લુકાસના પરિચયમાં આવ્યાં હતાં. જીમીના ગેરેજ ખાતે અવરજવર કરતાં જીલ બારોટ સાથે જીમીએ સંધ્યાબેનની મુલાકાત કરાવી હતી.
વાતચીત દરમિયાન જીલ બારોટે એવો દાવો કર્યો હતો કે તે અને તેના સાથીદારો સરકારી આવાસ યોજના હેઠળ મકાન તથા દુકાનો મેળવી આપવાની કામગીરી કરે છે. આ વિશ્વાસના આધારે તેણે સુભાનપુરા હાઇટેન્શન રોડ પર આવેલી ઝાંસી રેસિડેન્સી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની દુકાન નંબર-4 સંધ્યાબેનને બતાવી હતી.
આરોપીઓએ 12 લાખની છેતરપિંડી આચરી
આ દુકાનનો સોદો રૂ.12 લાખમાં ફાઈનલ થતાં શિક્ષિકાએ શરૂઆતમાં બુકિંગ પેટે રૂ.2 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ જીલ બારોટ અને કશ્યપ જોષીએ નોટરી રૂબરૂ બાનાખત પણ કરી આપ્યું હતું. વેચાણ દસ્તાવેજની પ્રક્રિયા આગળ વધારવાના નામે સંધ્યાબેને તબક્કાવાર ઓનલાઇન માધ્યમ અને રોકડ સ્વરૂપે નાણાં ચૂકવ્યાં હતાં. જીલ બારોટ, કશ્યપ જોષી અને રણવીરસિંહ સિંધાના ખાતામાં અલગ-અલગ સમયે રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી, તેમજ દસ્તાવેજ માટે રોકડ પણ અપાઈ હતી. પૂરા રૂ.12 લાખ મળી ગયા હોવા છતાં આરોપીઓએ ન તો દુકાનનો કબજો સોંપ્યો કે ન તો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો.
નેતા પુત્ર સામે પોલીસ ફરિયાદ
દસ્તાવેજ મામલે વારંવાર ઉઘરાણી કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સંધ્યાબેને પોતાના નાણાં પરત માંગ્યા હતા. જેના ભાગરૂપે જીલ બારોટે તેમને રૂ.12 લાખનો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાં ભરતાં તે રિટર્ન થયો હતો. પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં શિક્ષિકાએ પોલીસનો સહારો લીધો છે. આરોપીઓએ સરકારી આવાસ યોજના સાથે સંકળાયેલા હોવાનો ખોટો વહેમ ઊભો કરી પૂર્વનિયોજિત કાવતરા હેઠળ ઠગાઈ આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
