SRH vs DC:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની 31મીં મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના સ્ટાર ઑપનર અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચમાં તોફાની બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ અભિષેક શર્માએ સૌથી વધુ સદી ફટકારવા મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.
આજે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અભિષેક શર્માએ દિલ્હીના બૉલરોને રીતસરના ઝૂડી નાંખ્યા હતા. આ સાથે જ અભિષેક શર્માએ SRH તરફથી રમતા પોતાના 2000 રન પણ પુરા કરી લીધા.
જો આજની મેચની વાત કરીએ તો, અભિષેક શર્માએ ઈનિંગ્સની 5મી ઑનરમાં નીતિશ રાણાની બૉલિંગમાં 3 સિક્સ ફટકારી હતી. હૈદરાબાદના સ્ટેડિયમામં અભિષેક શર્માએ માત્ર 25 બૉલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી લીધી.
પોતાની ઈનિંગ્સ દરમિયાન અભિષેક શર્માએ ટ્રેવિસ હેડ (37) સાથે પહેલી વિકેટ માટે 97 રનની પાર્ટનરશિપ કરી હતી. આ મેચમાં અભિષેક શર્માએ 47 બોલમાં જ 10 સિક્સ અને 9 ફૉર સાથે 100 રન બનાવી દીધા હતા.
SRH તરફથી રમતા 2 હજાર રન પૂરા કર્યા
અભિષેક શર્માએ IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા 2000 રન પૂરા કરનાર ચોથો ખેલાડી બની ગયો છે. અગાઉ ડેવિડ વૉર્નર (4014), શિખર ધવન (2768) અને કેન વિલિયમ્સન (2101) રન બનાવી ચૂક્યા છે.
રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો, કોહલીની બરોબરી કરી
અભિષેક શર્માની T20 કિક્રેટમાં આ 9મી સદી છે. આ સાથે જ અભિષેક T20 ક્રિકેટમાં ભારત તરફથી સદી ફટકારના વિરાટ કોહલી (9)ની બરોબરી કરી છે. જે બાદ રોહિત શર્મા આવે છે, તે T20 ક્રિકેટમાં 8 સદી ફટકારી ચૂક્યો છે. પોતાની આ ઈનિંગ્સ દરમિયાન અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં પોતાના 350 સિક્સ પણ પૂરી કરી દીધી છે.
આ બીજી વખત છે, જ્યારે અભિષેક શર્માએ IPLની એક ઈનિંગ્સમાં 10 સિક્સ ફટકારી હોય. એકથી વધુ ઈનિંગ્સમાં 10 સિક્સ મારનાર તે બીજો બેટ્સમેન બની ગયો છે. અગાઉ ક્રિસ ગેઈલ ચાર વખત આમ કરી ચૂક્યો છે.
