સંસ્કારી નગરીમાં મેલી વાસનાનો ખેલ, લગ્નની લાલચ આપી બે યુવતી સાથે દુષ્કર્મ; વાંચો બંને કિસ્સાની વિગતો

બંને કિસ્સામાં ગર્ભવતી બનેલી પીડિતાઓને ગર્ભપાતની ગોળી આપી દેવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 07 May 2026 10:37 AM (IST)Updated: Thu, 07 May 2026 10:37 AM (IST)
vadodara-crime-marriage-false-promise-rape-forced-abortion-lakshmipura-gorwa
HIGHLIGHTS
  • વડોદરામાં બે યુવતી સાથે દુષ્કર્મ 
  • લગ્નની લાલચ આપી થયું દુષ્કર્મ 
  • બંને કિસ્સામાં ગર્ભપાત કરાવ્યો

Vadodara Crime News: સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં પ્રેમ અને વિશ્વાસના નામે વાસના સંતોષવાના બે શરમજનક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ગોરવા અને લક્ષ્મીપુરા પોલીસ મથકે નોંધાયેલી બે અલગ-અલગ ઘટનાઓમાં યુવતીઓને લગ્નની લાલચ આપીને તેમની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બંને કિસ્સામાં ગર્ભવતી બનેલી આ પીડિતાઓને છેતરીને ગર્ભપાતની ગોળી આપી દેવામાં આવી હતી, જેને પગલે બંને કિસ્સામાં મૃત બાળકનો જન્મ થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ગોરવા કેસ: 5 વર્ષના પ્રેમનો કરૂણ અંત, ગર્ભપાતની ગોળી આપી 

પ્રથમ કિસ્સો ગોરવા વિસ્તારનો છે, જ્યાં રહેતી એક યુવતી સાથે મૂળ ઝાલોદના બિયામાળી ગામના વિપુલ સોમા વસૈયા નામના શખ્સે પાંચ વર્ષ સુધી પ્રેમનું નાટક કર્યું હતું. આરોપીએ લગ્નની લાલચ આપીને પીડિતા સાથે શહેરના વિવિધ સ્થળોએ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પાંચ મહિના અગાઉ જ્યારે પીડિતા ગર્ભવતી બની, ત્યારે આરોપીએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો અને તેની સાથે મારપીટ કરી હતી. પીડિતાને પેટમાં દુખાવો થતા આરોપી વિપુલે તેને 'દુખાવાની દવા' હોવાનું કહીને છેતરપિંડીથી ગર્ભપાતની ગોળી ખવડાવી દીધી હતી. આ ગોળીઓની અસરથી સારવાર દરમિયાન પીડિતાએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ નરાધમ આરોપીએ વિશ્વાસઘાત કરીને બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હતા. હાલ આ કેસમાં ગોરવા PI કે.એન. લાઠીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ આરોપીની સઘન શોધખોળ કરી રહી છે.

લક્ષ્મીપુરા કેસ: સોશિયલ મીડિયાની મિત્રતા દુષ્કર્મમાં પરિણમી

બીજો કિસ્સો લક્ષ્મીપુરા વિસ્તારમાં બન્યો છે, જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક કિશોરે સગીરા સાથે મિત્રતા કેળવી હતી. મોસાળમાં આવેલા આ યુવકે સગીરાને પોતાની લગ્નની જાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કિસ્સામાં પણ જ્યારે પીડિતા ગર્ભવતી બની, ત્યારે તેની જાણ બહાર તેને ગર્ભપાતની દવા આપી દેવામાં આવી હતી, જેના પરિણામે મૃત બાળકીનો જન્મ થયો હતો.

પોલીસની કડક કાર્યવાહી

વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને કિસ્સામાં માનવતા અને પ્રેમની પવિત્રતાને લાંછન લગાડવામાં આવ્યું છે. પોલીસે બંને બનાવોમાં દુષ્કર્મ, મારપીટ અને ગર્ભપાત કરાવવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.