Vadodara student suicide: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. વેકેશન પૂર્ણ થવાના આરે હતું અને નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં જ એક આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
કાકાએ ભત્રીજાને લટકતી હાલતમાં જોયો
આ પણ વાંચો
મળતી વિગતો અનુસાર, 17 વર્ષીય આતિશ વિરેન્દ્ર ચૌધરીએ તાજેતરમાં જ ધોરણ 11ની પરીક્ષા પાસ કરી હતી, અને કારકિર્દીના મહત્વના પડાવ સમાન ધોરણ 12 માં પ્રવેશ મેળવ્યો હતો. બનાવના દિવસે આતિશના કાકા જ્યારે બહારથી ઘરે પરત ફર્યા અને રૂમમાં તપાસ કરી, ત્યારે આતિશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
આતિશ પોતાના ઘરે ઉપરના રૂમમાં હતો. આ હચમચાવી દેનારું દ્રશ્ય જોતા જ કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમની બૂમો સાંભળીને આસપાસના રહીશો દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવાનના આવા આત્યંતિક પગલાથી પાડોશીઓમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
સમગ્ર મામલે મકરપુરા પોલીસ દ્વારા તપાસ
આ બનાવની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી મૃતદેહને નીચે ઉતાર્યો હતો, અને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં મકરપુરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Vadodara: ખોડિયારનગરમાં લોહીના સબંધો લજવાયા, કપાતર પુત્રએ પૂજારી પિતાને ચપ્પાના ઘા ઝીંક્યા
આશાસ્પદ કિશોરના આપઘાતનું કારણ અકબંધ
આતિશે આટલી નાની ઉંમરે આવું ગંભીર પગલું કેમ ભર્યું તે કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આત્મઘાતી પગલા પાછળ અભ્યાસનું ભારણ જવાબદાર હતું કે પછી પરિવાર કે અંગત જીવનનો કોઈ તણાવ કે અન્ય કોઈ માનસિક કારણ હતું. ગમગીન માહોલમાં મકરપુરા પોલીસે આતિશના મોબાઈલ ફોન અને રૂમની તપાસ કરીને કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાએ વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે. ધોરણ 10 અને 12ના વર્ષો દરમિયાન વિદ્યાર્થીઓ પર સામાજિક અને શૈક્ષણિક દબાણ વધતું હોય છે, આવા સમયે સંતાનો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો અને તેમના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે. એક હોનહાર વિદ્યાર્થીના અકાળે અવસાનથી ચૌધરી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે.
