Vadodara: શહેરના ખોડિયારનગર વિસ્તારમાં સબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં ભૌતિક સુખ-સુવિધા અને પૈસાની લાલચમાં અંધ બનેલા એક પુત્રએ પોતાના જ જન્મદાતા પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે. ગાડી અને રોકડ રકમની માંગણી પૂરી ન થતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને લોહીલુહાણ કરી મુકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખોડિયારનગર સ્થિત ‘સિદ્ધેશ્વર હાર્મની’માં જયંતીલાલ નાગર (55) તેમના પરિવાર સાથે રહે છે. વ્યવસાયે પૂજારી એવા જયંતીલાલ ગત રાત્રિના રોજ પોતાની પૂજા-પાઠની વિધિ પૂર્ણ કરી ઘરે પરત ફર્યા હતા. પિતા ઘરે આવતાની સાથે જ પુત્ર હાર્દિકે તેમની પાસે નવી ગાડી લેવા માટે અને મોજશોખ માટે પૈસાની જીદ પકડી હતી.
જો કે પિતા જયંતીલાલે પુત્રની ગેરવ્યાજબી માંગણી સામે અસમર્થતા દર્શાવી પૈસા આપવાની ના પાડી હતી. આ સાંભળી હાર્દિક પિત્તો ગુમાવી બેઠો હતો અને આવેશમાં આવી ઘરમાં રહેલું તીક્ષ્ણ ચપ્પુ ઉઠાવી પિતા પર તૂટી પડ્યો હતો. હાર્દિકે પિતાને પીઠના ભાગે, ખભા પર અને ગરદન જેવા અત્યંત નાજુક અંગો પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
આ દરમિયાન જયંતીલાલની ચીસો સાંભળીને પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને માંડ-માંડ છોડાવ્યા હતા. આ હુમલા ઘવાયેલા જયંતીલાલને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ મામલે સ્થાનિક પોલીસે હુમલાખોર પુત્ર હાર્દિક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરામાં અગમ્ય કારણોસર વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત
મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં રહેતા અને તાજેતરમાં જ ધો.11ની પરીક્ષા પાસ કરીને 12માં ધોરણમાં પ્રવેશેલા આતિશ ચૌધરી નામના વિદ્યાથીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જ્યારે આતિશના કાકા બહારથી ઘરે પરત ફર્યા, ત્યારે રૂમમાં આતિશ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો.
આ ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. હાલ પોલીસે આપઘાતનું કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
