Vadodara News: વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા દીનદયાલનગરમાં અગાઉની અદાવતને લઈને બે જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. 29 જૂનની રાત્રે પોલીસની હાજરીમાં જ એક શખ્સે ખુલ્લેઆમ ચપ્પુ કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે લક્ષ્મીપુરા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામે ગુનો નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
દીનદયાલનગરમાં રહેતા હિનાબેન ચિરાગભાઈ પરમારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 29 જૂનની રાત્રે મુન્ના કનોજીયા, જીગર, રાગીની કનોજીયા અને શોભનાબેન કનોજીયા તેમના ઘરે ધસી આવ્યા હતા. તેઓ એક ચાંદીની ચેઇન પરત આપવા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે હિનાબેને ચેઇન વિશે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું, ત્યારે રાગીનીબેને તેમને આંખના ભાગે મુક્કો માર્યો હતો. દરમિયાન જીગરે મોટું ચપ્પુ કાઢીને ગંભીર ધમકી આપી હતી. જોકે, તે જ સમયે પોલીસની ગાડી આવી પહોંચતા આરોપીએ ચપ્પુ સંતાડી દીધું હતું.
બીજી તરફ, આ જ વિસ્તારમાં રહેતા રાગીનીબેન કનોજીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, 29 જૂનની રાત્રે વિજય ઉર્ફે ઢોલો રાણા, ઉદય ઉર્ફે કીશુ ડોડીયા અને જયમીન વાઘેલા તેમના ઘરે આવીને બોલાચાલી કરવા લાગ્યા હતા. આ ઝપાઝપીમાં જયમીને તેમનો હાથ મરોડ્યો હતો અને વિજયે લાફો મારતા તેમના કાનમાંથી સોનાની કડી પડી ગઈ હતી. ઝપાઝપીમાં તેમના સસરાના ગળાની ચેઇન પણ તૂટી ગઈ હતી. રાગીનીબેનને હાથની આંગળીમાં ઈજા થતાં તેમને સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા લક્ષ્મીપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને ચાર આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, અત્યારે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
