Vadodara Alkapuri Spa Fire: વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં આવેલી હાઇરાઇઝ એવરેસ્ટ ઓનિક્સ બિલ્ડિંગના છઠ્ઠા માળે કાર્યરત એક સ્પામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
બેવડો પડકાર: આગ અને લિફ્ટમાં ફસાયેલા લોકો
આ પણ વાંચો
આગના બનાવ અંગે જાણ થતા જ વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાઇરાઇઝ બિલ્ડીંગ હોવાથી અને સુરક્ષાના કારણોસર વીજ કંપની દ્વારા પાવર સપ્લાય તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, એક મુશ્કેલી ત્યારે ઉભી થઈ જ્યારે આગથી ગભરાઈને નીચે ઉતરવા માટે કેટલાક લોકોએ લિફ્ટનો ઉપયોગ કર્યો હતો.
પાવર કટ થવાને કારણે આ લિફ્ટ બીજા માળે જ અટકી ગઈ અને તેમાં 2 થી 3 લોકો ફસાઈ ગયા હતા. હવે ફાયર વિભાગ સામે બેવડો પડકાર હતો, એક તરફ છઠ્ઠા માળે ભભૂકતી આગ પર કાબૂ મેળવવો, અને બીજી તરફ લિફ્ટમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવો.
ફાયર વિભાગની વ્યૂહાત્મક કામગીરી, સફળ રેસ્ક્યુ
વડીવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કૌશર રબારીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમને કોલ મળતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્પામાં રહેલા ફર્નિચર અને અન્ય જ્વલનશીલ સામાનના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હતી."
ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યુ કે, "ફાયર વિભાગે વ્યૂહાત્મક રીતે કામગીરી કરી એક ટીમને આગ બુઝાવવા કામે લગાડી હતી, જ્યારે બીજી ટીમે લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હાલ આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી."
આ પણ વાંચો: Vadodara: પાદરા નજીક એક્સપ્રેસ-વે પર કાર બની અગનગોળો; જીવતા ભૂંજાતા ડ્રાઈવરનું મોત, મૃતદેહ મળ્યો
સદનસીબે, ફાયર બ્રિગેડની સતર્કતાના કારણે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, સ્પાની અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવા પાછળના ચોક્કસ કારણોની તપાસ હાલમાં ચાલી રહી છે.
ખાસ ચેતવણી: આગ સમયે લિફ્ટનો ઉપયોગ ટાળો
આ ઘટનાને પગલે ફાયર વિભાગે નાગરિકોને એક મહત્વની અપીલ કરી છે કે, જ્યારે પણ બિલ્ડિંગમાં આગ કે ભૂકંપ જેવી ઇમરજન્સી સર્જાય ત્યારે ક્યારેય પણ લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આવા સંજોગોમાં શોર્ટ સર્કિટ અટકાવવા માટે બિલ્ડિંગનો પાવર બંધ કરવામાં આવે છે, જેનાથી લિફ્ટમાં ફસાઈ જવાનું અને ધુમાડાને કારણે ગૂંગળામણથી જીવ જવાનું મોટું જોખમ રહેલું છે. કટોકટીના સમયે હંમેશા સીડીનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
