Vadodara Fire Incident: વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે આવેલી વેલકેર હોસ્પિટલની બાજુમાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ બિલ્ડિંગમાં હાલ કેન્સર હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નિર્માણ કાર્યના સ્થળે કચરામાં અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ ઘટનાને પગલે બાજુમાં જ આવેલી ચાલુ હોસ્પિટલના દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા અને લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગતા લોકોમાં અફરાતફરી
મળતી માહિતી મુજબ, નિર્માણાધીન કેન્સર હોસ્પિટલની બિલ્ડિંગમાં હાલ પી.ઓ.પી. (POP) નું કામ ચાલી રહ્યું છે. જેના માટે મોટા પ્રમાણમાં ફોર્મ મટિરિયલ અને અન્ય સામગ્રી બિલ્ડિંગની નીચેના ભાગમાં રાખવામાં આવી હતી. કોઈ અજ્ઞાત કારણોસર આ કચરા અને મટિરિયલમાં આગ લાગી હતી. સામગ્રી ફોર્મ (Foam) પ્રકારની હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આખું મટિરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ઉડતા જોઈને સ્થાનિક રહીશો પણ ગભરાઈ ગયા હતા.
ફાયર વિભાગની ત્વરિત કામગીરી
ઘટનાની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કરવામાં આવતા જ જી.આઈ.ડી.સી. (GIDC) ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક વોટર બ્રાઉઝર અને ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આગ વધુ વિકરાળ હોવાથી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ
GIDC ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદાન બારહટે જણાવ્યું હતું કે, "આગનો કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નવી નિર્માણાધીન બિલ્ડિંગ હોવાથી અંદર કોઈ હાજર નહોતું, જેથી મોટી જાનહાનિ ટળી છે. નીચે રાખેલું મટિરિયલ ફોર્મ હોવાથી આગ વધુ ભયાનક બની હતી." બંને ફાયર સ્ટેશનના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ એક કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
