Vadodara News: દેવનદીમાં તરસ છીપાવવા ઉતરેલા યુવકને મગર ખેંચી ગયો; 20 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

યુવક દેવનદીમાં પાણી ભરવા માટે નીચે ઉતર્યો હતો. આ સમયે એક મહાકાય મગરે અચાનક તેના પર હુમલો કર્યો હતો. મગરે મિથુનને જડબામાં દબોચી નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 08 May 2026 05:45 PM (IST)Updated: Fri, 08 May 2026 05:45 PM (IST)
vadodara-tragedy-crocodile-drags-youth-into-dev-river-body-found-after-20-hours

Vadodara News:વાઘોડિયા તાલુકાના દેવકાંઠા વિસ્તારમાં આવેલી દેવનદીના કાંઠે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કાગડીપુરા ગામના 22 વર્ષીય યુવાન મિથુન વસાવા પર મગરે હુમલો કરી તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો. આશરે 20 કલાકની લાંબી શોધખોળ અને ભારે જહેમત બાદ આજે સવારે યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ નદીના સામે છેડેથી મળી આવ્યો હતો.

તરસ છીપાવવા ગયો ને કાળનો પંજો પડ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, કાગડીપુરા ગામમાં રહેતો મિથુન મહેશભાઈ વસાવા (ઉં.વ. 22) શુક્રવારે બપોરે નદી કિનારે પોતાના પશુઓ ચરાવી રહ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે તરસ લાગતા મિથુન દેવનદીમાં પાણી ભરવા માટે નીચે ઉતર્યો હતો. આ સમયે પાણીમાં છુપાઈને બેઠેલા એક મહાકાય મગરે અચાનક તેના પર હુમલો કર્યો હતો. મગરે મિથુનને જડબામાં દબોચી નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો.

બે કલાક સુધી મગર યુવકને જડબામાં લઈ ફરતો રહ્યો

આ ભયાનક દ્રશ્ય જોઈ આસપાસ પશુ ચરાવતા અન્ય લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, હુમલો કર્યા બાદ મગર યુવકને જડબામાં પકડીને લગભગ બે કલાક સુધી નદીમાં આમ-તેમ ફરતો દેખાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી (TDO), વનવિભાગની ટીમ અને મામલતદાર કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે બોટ સાથે નદીમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મગર વારંવાર યુવકને લઈને પાણીની નીચે જતો રહેતો હોવાથી સફળતા મળી ન હતી. રાત્રિના અંધકારને કારણે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.

સવારે સામે કાંઠેથી મૃતદેહ મળ્યો

આજે સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે દેવનદીના સામે કાંઠે ફલોડની બોટ પાસે મિથુનનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. સ્થાનિક નાવિકોએ અત્યંત સાવધાનીપૂર્વક બોટની મદદથી મૃતદેહને કિનારે લાવ્યો હતો. વનવિભાગ અને પોલીસની હાજરીમાં જરૂરી પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાને પગલે કાગડીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નદી કિનારે વધતી મગરોની વસ્તી અને વારંવાર થતા હુમલાઓને લઈને સ્થાનિકોમાં ભયની સાથે તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.