Vadodara News: વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જ વડોદરા નજીક આવેલા તલસટ ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં નદીના પાણીમાં લપસી પડેલા એક વ્યક્તિને મગરે પોતાનો શિકાર બનાવ્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
યુવકને મગર પાણીમાં ખેંચી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, તલસટ ગામના રહેવાસી રણછોડભાઈ કોઈ કામસર વિશ્વામિત્રી નદી કિસાન નજીક ગયા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ સીધા નદીના પાણીમાં પડી ગયા હતા. રણછોડભાઈ પાણીમાં સંભળાય તે પહેલાં જ નદીમાં રહેલા એક ખૂંખાર મગરે તક ઝડપી લીધી હતી અને તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
સ્થાનિકોની દોડધામ અને રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક નદી કિનારે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પોતાનીી રીતે રણછોડભાઈની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ મગરના ભય અને નદીના ઊંડા પાણીના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી.
પરિવારમાં શોકનો માહોલ સર્જાયો
આ ગંભીર પરિસ્થિતિમાં સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી જયેશ પટેલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમના સક્રિય સહયોગ અને ભારે જહેમત બાદ નદીમાંથી રણછોડભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ મળતાની સાથે જ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મગરોના જોખમ સામે ગંભીર સવાલો
વિશ્વામિત્રી નદીમાં અગાઉ પણ અનેકવાર મગરો દ્વારા પશુઓ અને માનવીઓ પર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. તલસટ ગામની આ ઘટનાએ ફરી એકવાર વડોદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા મગરોના જોખમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક નાગરિકો અને વન વિભાગ વચ્ચે સંકલન સધાય અને નદીકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
