Vadodara accident news: દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા પાસેથી પસાર થતા આ હાઈવે પર એક ચાલતી કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં ડ્રાઈવરનું દાઝી જવાથી કારમાં જ મોત થયું છે.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર દોડતી કાર પાદરા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના એન્જિન અથવા ટાયરના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આ આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે કાર સંપૂર્ણપણે અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી.
કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવરને બહાર નીકળવાની તક સુધ્ધાં મળી નહોતી, જેના કારણે કારમાં જ ફસાઈ જવાથી ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ આ ભયાનક દ્રશ્ય જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના વાસણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
વડોદરા ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર સુરેશ વાઘેલાએ જણાવ્યું કે, "અમને એક્સપ્રેસ-વે પર કારમાં આગ અને એક વ્યક્તિ ફસાયો હોવાનો કોલ મળ્યો હતો. અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કાર ભડભડ સળગી રહી હતી. આગ સંપૂર્ણપણે ઓલવ્યા બાદ તપાસ કરતા ડ્રાઈવર સીટ પરથી એક વ્યક્તિનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો."
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ હાઈવે પર અકસ્માત, સાવલીના પસવા ગામ પાસે અર્ટિગા કાર પલટી જતાં મુંબઈના આધેડનું મોત
શું હોઈ શકે આગ લાગવાનું કારણ?
ફાયર વિભાગના અનુમાન અને પ્રાથમિક તપાસ મુજબ, આ આગ લાંબા અંતરના પ્રવાસ અને ગરમીને કારણે ટાયરમાં ઓવર હીટિંગ થવાથી અથવા તો કોઈ મિકેનિકલ ફોલ્ટના કારણે લાગી હોવાની શક્યતા છે. એક્સપ્રેસ-વે પર વાહનો ખૂબ જ તેજ ગતિથી દોડતા હોય છે, જેને કારણે ટાયર અને એન્જિન પર વધુ દબાણ આવે છે અને આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.
પોલીસ તપાસ-ઓથોરિટીની અપીલ
પોલીસે સળગી ગયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હાઇવે ઓથોરિટીએ તમામ વાહનચાલકોને સુરક્ષાના ભાગરૂપે સમયાંતરે ટાયરનું તાપમાન ચેક કરવા અને વાહનની યોગ્ય જાળવણી રાખવા માટે ખાસ અપીલ કરી છે.
