Vadodara News: વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પાસે બુધવારે બપોરે બનેલી હુમલાની સનસનીખેજ ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બે અજાણ્યા બાઈક સવારોએ ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ માર્યું હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીની વાર્તા ખોટી સાબિત થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સઘન પૂછપરછના આધારે પર્દાફાશ કર્યો છે કે, યુવતીએ પોતાના ચાર વર્ષ જૂના પ્રેમ સંબંધને છુપાવવા માટે આ આખું ષડયંત્ર જાતે જ રચ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
છેલ્લા 15 દિવસથી કમ્પ્યુટર ક્લાસમાં જતી આ વિદ્યાર્થિનીએ ગત 6 એપ્રિલના રોજ તેના કાકાને ફોન કરીને જણાવ્યું હતું કે, બે અજાણ્યા યુવકોએ તેને કંઈક પીવડાવી દીધું છે અને ચપ્પા વડે હુમલો કર્યો છે. લોહીલુહાણ હાલતમાં તેણીને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, કાળા ટીશર્ટ વાળા એક યુવકે તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
શંકાસ્પદ યુવકો ન દેખાતા પોલીસને શંકા ગઇ
પાણીગેટ પોલીસના પીઆઈ એ.બી. પટેલે જ્યારે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે યુવતીએ વર્ણવેલા શંકાસ્પદ યુવકો કે બાઈક ક્યાંય દેખાયા નહોતા. આથી પોલીસને શંકા ગઈ હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું કે, વિદ્યાર્થિનીને તેના મહોલ્લામાં જ રહેતા અને ધોરણ 10માં સાથે ભણતા એક યુવક સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.
ફિનાઈલ પીધું અને શરીર પર ચપ્પાના ઘા મારી હુમલાની સ્ટોરી ઘડી
પરિવારમાં એક જ મોબાઈલ હોવાથી વિદ્યાર્થિની સોશિયલ મીડિયા દ્વારા વાતચીત કરતી હતી. તાજેતરમાં યુવકે રિપ્લાય આપવામાં મોડું કરતા તેની માતાને શંકા ગઈ હતી. પોતાનો પ્રેમ સંબંધ પકડાઈ જશે તેવા ડરથી તેણે આ નાટક રચ્યું. તેણે પોતે જ બજારમાંથી ચપ્પુ ખરીદ્યું હતું અને ઘરેથી ફિનાઈલ ભરીને લઈ ગઈ હતી. ક્લાસથી છૂટ્યા બાદ તેણે પોતે જ ફિનાઈલ પીધું અને શરીર પર ચપ્પાના ઘા મારી હુમલાની ખોટી સ્ટોરી ઘડી કાઢી હતી.
અંતે, પોલીસની આકરી પૂછપરછમાં વિદ્યાર્થિનીએ સત્ય સ્વીકારી લીધું છે. આ કિસ્સાએ સોશિયલ મીડિયા અને કિશોરાવસ્થામાં થતા પ્રેમ પ્રકરણોને કારણે સર્જાતી માનસિક મૂંઝવણ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
