દિલ્હી-મુંબઈ હાઈવે પર અકસ્માત, સાવલીના પસવા ગામ પાસે અર્ટિગા કાર પલટી જતાં મુંબઈના આધેડનું મોત

કાર વડોદરા નજીક કાલોલ પસાર કરી સાવલીના પસવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલક ચંદ્રકાંતભાઈએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 08 May 2026 04:34 PM (IST)Updated: Fri, 08 May 2026 04:34 PM (IST)
delhi-mumbai-expressway-accident-mumbai-man-died-as-ertiga-overturns-in-savli

Vadodara News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. સાવલી તાલુકાના પસવા ગામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પતાવી મુંબઈ પરત ફરી રહેલા જૈન પરિવારની કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 50 વર્ષીય દિનેશકુમાર જૈનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

લગ્નનો આનંદ માતમના ફેરવાયો

મળતી માહિતી મુજબ, નવી મુંબઈના વાસી વિસ્તારમાં રહેતા દિનેશકુમાર નક્ષત્રમલ જૈન (ઉં.વ. 50) તેમના પત્ની સુશીલાબેન, પુત્રી ઝીલ અને મિત્ર ચંદ્રકાંતભાઈ અરુણકુમાર સનાઢ્ય સાથે રાજસ્થાન ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્નની ખુશીઓ માણી રવિવારે રાત્રે તેઓ પોતાની અર્ટિગા કારમાં મુંબઈ પરત ફરી રહ્યા હતા.

ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

આજે વહેલી સવારે જ્યારે તેમની કાર વડોદરા નજીક કાલોલ પસાર કરી સાવલીના પસવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલક ચંદ્રકાંતભાઈએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી કાર હાઈવે પરના નાળા પાસે રોડ વચ્ચે આવેલી ખાલી જગ્યામાં ફંગોળાઈ હતી અને પલટી મારી ગઈ હતી. કારની સ્પીડ વધુ હોવાથી અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ કારના દરવાજા તોડી અંદર ફસાયેલા ઘાયલોને મહામુસીબતે બહાર કાઢ્યા હતા. જોકે, દિનેશકુમાર જૈનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

ઇજાગ્રસ્તોની હાલત નાજુક

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ ઝીલ જૈન, સુશીલાબેન જૈન અને ચાલક ચંદ્રકાંતભાઈને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક દિનેશકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. સાવલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.