વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગોઝારો ત્રિપલ અકસ્માત, ગેસ ટેન્કર પલટી ગયું; કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો

આ અકસ્માતના પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 01 Sep 2026 09:45 AM (IST)Updated: Tue, 01 Sep 2026 09:45 AM (IST)
vadodara-delhi-mumbai-express-way-triple-accident-gas-tanker-overturned-traffic
Delhi Mumbai Expressway Accident

Delhi Mumbai Expressway Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સુરતથી વડોદરા તરફ આવતી લેન પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેક પર ગત મોડી રાત્રીના એક ગેસ ટેન્કર, ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતના પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત મોડી રાત્રીના સુરતથી વડોદરા તરફ આવી રહેલા એક ગેસના ટેન્કર, ટ્રક અને કાર વચ્ચે અચાનક ગંભીર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા. સદનસીબે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

અકસ્માત સર્જાતાની સાથે જ એક્સપ્રેસ-વે પર હજારો વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને વાહનચાલકો ત્રણ-ત્રણ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.

સૌથી મોટો પડકાર ગેસનું ટેન્કર બન્યું, કારણ કે તેમાંથી ગેસ લીકેજ થવાનું જોખમ હતું. જોકે, કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અત્યંત સાવચેતી અને કાળજીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી. સુરક્ષા ધોરણોનું પાલન કરીને ટેન્કર ખસેડવાની પ્રક્રિયા લાંબી ચાલી. જેના કારણે ટ્રાફિક ક્લિયર કરવામાં ભારે વિલંબ થયો. સુરક્ષાના કારણોસર હાઈવેનો મુખ્ય માર્ગ બંધ રાખવો પડ્યો હતો.

અકસ્માત અને ત્યારબાદની સાવચેતીભરી કામગીરીના કારણે એક્સપ્રેસ વે પર બંને તરફ વાહનોની માતબર લાંબી કતારો જોવા મળી હતી. દૂર-દૂર સુધી વાહનો અટવાઈ જવાથી નોકરીયાતો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત સુધી ટ્રાફિક પૂર્વવત ન થતા મુસાફરો કલાકો સુધી પરેશાન થયા હતા. જોકે, અકસ્માતની તીવ્રતા અને વાહનોના કાટમાળને કારણે હજુ પણ ટ્રાફિક સંપૂર્ણપણે સામાન્ય થયો નથી.

હાલ એક્સપ્રેસ-વે પર માત્ર એક જ લેન ચાલુ રાખવામાં આવી છે, જેના કારણે એક જ લેનમાંથી વાહનોને ધીમી ગતિએ પસાર કરવામાં આવી રહ્યા છે. એક લેન ચાલુ હોવાને કારણે હજુ પણ હાઈવે પર વાહન વ્યવહાર ખૂબ જ ધીમો છે અને ટ્રાફિક હળવો થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને એક્સપ્રેસ-વે મેનેજમેન્ટ વાહન વ્યવહાર સંપૂર્ણપણે પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.