Delhi Mumbai Expressway Drone Video: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતા મહત્વાકાંક્ષી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગત 31 ઓગસ્ટની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જઈ રહેલું એક ટ્રેલર અને LPG ગેસ ભરેલું ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી.
આ જોરદાર ટક્કરના કારણે ગેસ ભરેલું ટેન્કર રસ્તા પર જ પલટી ખાઈ ગયું હતું, જેને પગલે રાત્રે જ એક્સપ્રેસ વે ઉપર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે માર્ગને વન-વે કરી દેવામાં આવ્યો હતો.
આ અકસ્માતની આ ઘટના બાદ મોટો ખતરો તોળાઈ રહ્યો હતો, કારણ કે પલટી ગયેલું ટેન્કર 'જીવતા બોમ્બ' સમાન બની ગયું હતું. ગેસ ગળતર કે આગ જેવી કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સતર્કતા દાખવી હતી અને ફાયર ફાઇટર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. ટેન્કરમાંથી કોઈપણ પ્રકારનું જોખમ નિવારવા માટે કરજણ ફાયર વિભાગ દ્વારા સતત કૂલિંગની પ્રોસેસ કરવામાં આવી રહી હતી.
આ દુર્ઘટના અંગે તાત્કાલિક સંબંધિત ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી. કંપની દ્વારા શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે અંદાજે બે કલાકમાં પલટી ગયેલા ટેન્કરમાંથી અન્ય ટેન્કરમાં LPG ગેસ ટ્રાન્સફર કરવાની ટેકનિકલ કામગીરી શરૂ કરવામાં આવશે. જો કે ગેસ ટ્રાન્સફરની આ પ્રક્રિયા અત્યંત જોખમી અને સંવેદનશીલ હોવાથી તેમાં સમય લાગ્યો હતો.
અકસ્માતને 12 કલાકથી વધુનો સમય વીતી જવા છતાં આ જ્વલનશીલ ટેન્કરને સ્થળ પરથી હટાવી શકાયું ન હતું. જેના કારણે એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે.
લાંબી રાહ જોયા બાદ હવે આ ટેન્કરમાંથી સુરક્ષિત રીતે અન્ય ટેન્કરમાં ગેસ ઠાલવવાની કામગીરી આખરે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખડેપગે રહીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે.
ગેસ ટ્રાન્સફરની આ જટિલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ક્રેનની મદદથી પલટી ગયેલા ટેન્કરને રસ્તા પરથી સંપૂર્ણપણે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી એક્સપ્રેસ વે પર વાહનવ્યવહાર સામાન્ય થઈ શકે.
