રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે, MSUના પદવીદાન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરા અને પાદરાની મુલાકાત લેશે. તેઓ MSUના પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને પાદરામાં આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Sep 2026 06:36 PM (IST)Updated: Tue, 01 Sep 2026 06:36 PM (IST)
president-droupadi-murmu-vadodara-visit-attend-msu-convocation-ceremony-and-padra-events

President Droupadi Murmu Vadodara Visit: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરે વડોદરા અને પાદરાની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને યુનિવર્સિટી સ્તરે તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને વડોદરાની ઐતિહાસિક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તેમજ શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમળકાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે એમ.એસ. યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે. આ ગરિમાપૂર્ણ સમારંભમાં તેમના હસ્તે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવીઓ તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

દેશના પ્રથમ નાગરિકના હસ્તે ડિગ્રી મેળવવાનો અવસર વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહેશે, જેને લઈને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સત્તાધીશોમાં અનોખો રોમાંચ પ્રવર્તી રહ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં પદવીદાન સમારંભના સ્થળ, ભવ્ય સ્ટેજ અને બેઠક વ્યવસ્થા અંગેની આખરી તજવીજ તેજ કરી દેવામાં આવી છે.

એમ.એસ. યુનિવર્સિટીના કાર્યક્રમ ઉપરાંત રાષ્ટ્રપતિ પોતાના આ પ્રવાસ દરમિયાન વડોદરા જિલ્લાના પાદરા ખાતે પણ જનાર છે. પાદરા ખાતે તેઓ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપશે અને ઉપસ્થિત જનમેદનીને પ્રેરણાદાયી આધ્યાત્મિક તથા સામાજિક સંદેશ પાઠવશે.

રાષ્ટ્રપતિના આ સંભવિત પ્રવાસને પગલે સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ, એસપીજી તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને હાઇ-એલર્ટ પ્રોટોકોલ ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા બંને કાર્યક્રમ સ્થળોનું નિરીક્ષણ કરી રૂટની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી આ મુલાકાત સંપૂર્ણપણે સુરક્ષિત અને સુચારૂ રીતે સંપન્ન થઈ શકે.