Rajkot Tea Price Hike: રાજકોટવાસીઓ માટે ચા મોંઘી બની છે. ખાંડ સહિત ચા બનાવવામાં વપરાતા કાચા માલના ભાવ વધતા શહેરમાં આજથી ચાના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટી હોટેલ એસોસિએશનના નિર્ણય મુજબ, 1 સપ્ટેમ્બરથી અડધી ચાનો ભાવ રૂ. 13થી વધારીને રૂ. 15 અને આખી ચાનો ભાવ રૂ. 26થી વધારીને રૂ. 30 કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં અંદાજે 2,500થી 3,000 જેટલા નાના-મોટા ચાના થડા અને હોટેલો આવેલા છે. હોટેલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક મહિનામાં ચા બનાવવાના ખર્ચમાં સતત વધારો થયો છે. છેલ્લા ત્રણેક મહિનામાં ખાંડનો ભાવ પ્રતિ કિલો આશરે રૂ. 50થી વધીને રૂ. 75 સુધી પહોંચી ગયો છે. માત્ર ખાંડ જ નહીં, પરંતુ દૂધ, ચાની ભૂકી અને કોલસાના ભાવમાં પણ વધારો થયો છે.
કાચા માલના વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને ટી હોટેલ એસોસિએશન દ્વારા ચાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, જો આગામી સમયમાં ચા બનાવવામાં વપરાતા કાચા માલના ભાવમાં વધુ વધારો થશે તો ચાના ભાવમાં પણ ફરી વધારો થવાની શક્યતા છે.
ચાના ભાવમાં વધારો થયા બાદ રાજકોટના નિયમિત ચા ગ્રાહકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સ્થાનિક ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં ચા લોકોની દૈનિક જીવનશૈલીનો એક ભાગ બની ગઈ છે. તેમના મતે મોંઘવારીના વર્તમાન સમયમાં વેપારીઓએ કરેલો રૂ. 2થી રૂ 4નો વધારો બહુ મોટો નથી. ચા પ્રત્યે રાજકોટવાસીઓનો પ્રેમ જોતા ભાવવધારાની ગ્રાહકોની માંગ પર મોટી અસર પડે તેવી શક્યતા ઓછી છે.
ખાંડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, શેરડીનું ઉત્પાદન સારું હોવા છતાં ખાંડના બજાર પર અન્ય પરિબળોની અસર જોવા મળી રહી છે. પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વધવાને કારણે શેરડીમાંથી ખાંડ અને ગોળના ઉત્પાદનના પ્રમાણ પર અસર થતી હોવાનું વેપારીઓનું કહેવું છે.
આ ઉપરાંત બજારમાં સંગ્રહખોરી જેવા પરિબળોને કારણે પણ ખાંડના ભાવ ઊંચા રહેવાની સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવવામાં આવે છે. ખાંડના ભાવ વધવાથી તેની અસર માત્ર ચા પૂરતી મર્યાદિત રહેતી નથી. આગામી તહેવારોની સિઝનમાં મીઠાઈ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે. પરિણામે મોંઘવારીનો વધારાનો બોજ મધ્યમ વર્ગના બજેટ પર પડી શકે છે.
