DA Hike Update: આઠમા પગાર પંચની (8th Pay Commission) રચના બાદ દેશના 55 લાખ જેટલા વર્તમાન સરકારી કર્મચારીઓ અને 69 લાખ જેટલા પેન્શનર્સ માટે એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પગાર પંચના ટર્મ ઑફ રેફરન્સને મંજૂરી મળ્યાને 10 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, એવામાં કેન્દ્રીય કર્મચારીઓ નવા પગાર પંચની ભલામણો ઉપરાંત 2026ના બીજા અર્ધવાર્ષિક મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
જો બધુ જ વ્યવસ્થિત રહ્યું તો, જુલાઈથી ડિસેમ્બર સુધીના 6 મહિના દરમિયાનનું મોંઘવારી ભથ્થું (DA) આગામી ઓક્ટોબર સુધીમાં જારી કરવામાં આવી શકે છે. એવામાં કર્મચારીઓના મનમાં સ્વાભાવિક એક પ્રશ્ન અચુક થાય કે, અમને કેટલું DA મળશે?
જાન્યુઆરી 2027 માટે DA કેલ્ક્યુલેશન 64 ટકાનું અનુમાન
જુલાઈ 2026માં ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-IW) 1.3 પોઈન્ટ વધીને 153.2 થઈ ગયો. જેનાથી જાન્યુઆરી-2027માં કેન્દ્રીય કર્મચારીઓનું DA કેટલુ વધશે, તેનો અંદાજો મળી શકે છે.
હકીકતમાં શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત આવતા લેબર બ્યૂરો દ્વારા 31 ઓગસ્ટના જુલાઈનું CPI-IW ડેટા જારી કરવામાં આવ્યો હતો. જૂન 2026માં આ ઈન્ડેક્સ 151.9 હતો. જુલાઈમાં CPI-IW મોંઘવારી દર 4.57 ટકા રહ્યો, જ્યારે એક વર્ષ અગાઉ આ દર 2.66 ટકા રહ્યો હતો. જાન્યુઆરી 2027 માટે DAની ગણતરી અત્યારે 64 ટકા દેખાડી રહી છે.
અત્યારે મોંઘવારી ભથ્થુ 60 ટકા છે
કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થુ (DA) 2 ટકા વધારવામાં આવ્યું હતુ. જેથી DA 58 ટકાથી વધીને અત્યારે 60 ટકા છે. હવે આવનારી DA સમીક્ષા જુલાઈ 2026થી અમલી થવાની છે, પરંતુ સરકાર તરફથી તેની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.
મોંઘવારી ભથ્થામાં એક વર્ષમાં બે વાર એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈમાં ફેરફાર કરવામાં આવે છે. એવામાં જુલાઈના 6 માસિકના DAની જાહેરાત ઓક્ટોબર મહિનામાં થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઓલ ઈન્ડિયાન કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફૉર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-IW)ના 12 મહિનાના આંકડાના આધારે આ વખતે 3 ટકા વધારાનો અંદાજ છે.
એટલે કે, આ વધારા બાદ કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થુ 63 ટકા થઈ જશે. આમ છતાં સરકારની સત્તાવાર જાહેરાત અને અન્ય આંકડાઓ બાદ જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળનારા મોંઘવારી ભથ્થાનો આંકડો સ્પષ્ટ થશે.
