MSU Recruitment Controversy: વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ થતાં ચકચાર મચી જવા પામી છે. શૈક્ષણિક ધામ ગણાતી એમ.એસ. યુનિવર્સિટીમાં નિયમોના ધજાગરા ઉડાવીને શહેર ભાજપના હાલના મહામંત્રી લકુલીશ ત્રિવેદીને પબ્લિક રિલેશન ઓફિસર (PRO) તરીકે સેટ કરવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે.
યુનિવર્સિટીએ જૂલાઈ 2020માં PRO સહિત 10 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી હતી. જેમાં PRO માટે કુલ 40 અરજીઓ આવી હોવા છતાં કોઈ વિવાદ ન થાય અને યોગ્ય ઉમેદવારોને બહાર ફેંકી શકાય તે માટે યુનિવર્સિટી સત્તાધીશોએ 69 કડક નિયમો શરતોનું માળખું તૈયાર કર્યું હતું. કોઈપણ સરકારી યુનિવર્સિટી ભરતીમાં મેરિટ અને વેટિંગ લિસ્ટ બનાવવું ફરજિયાત હોય છે, પણ PROની આ ભરતીમાં આવું કોઈ જ લિસ્ટ બનાવવામાં ન આવ્યું.
તત્કાલીન સિન્ડિકેટમાં માત્રને માત્ર લકુલીશ ત્રિવેદીનું એકમાત્ર નામ નિમણૂંક માટે મૂકી દેવાયું, ત્યારે યુનિવર્સિટીના જ પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીએ ગંભીર આક્ષેપો કરી તાત્કાલિક લકુલીશ ત્રિવેદીને PRO પદ પરથી બરતરફ કરવા માંગ કરી છે.
લકુલીશ ત્રિવેદીની શૈક્ષણિક લાયકાતને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા જેમાં તેમના 5 વર્ષના અનુભવના સર્ટિફિકેટ પર પણ શંકાના વાદળો ઘેરાય છે. લકુલીશ ત્રિવેદીએ ઈન્દિરા ગાંધી નેશનલ ઑપન યુનિવર્સિટીમાંથી 2 વર્ષનો MBA કોર્સ પુરો કરવામાં 7 વર્ષ લગાડ્યા હતા. માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50 ટકા હોવા જરૂરી છે, તો પછી બી.કોમમાં માંડ 40 ટકા આવ્યા હોવા છતાં લકુલીશ ત્રિવેદની પ્રવેશ કેવી રીતે મળ્યો?
લકુલીશ ત્રિવેદીની ભરતીમાં કોઈ વિવાદ ન થાય તે માટે તત્કાલીન વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ અને રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાની હાજરીમાં 3 એક્સપર્ટ રાખવામાં આવ્યા હતા. જોકે બાકીના ઉમેદવારોને આ અંગે અંધારામાં રાખવામાં આવ્યા હતા, ત્યારે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર મયંક વ્યાસ સમગ્ર મામલે મને કઈ ખબર નથી, રજિસ્ટ્રારને પૂછો કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરતા જોવા મળ્યા
સમગ્ર મામલે PRO લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું કે, તેમને તમામ નિયમો અને પરીક્ષા પ્રક્રિયા પાસ કરીને નોકરી મેળવી છે. હાલમાં ખોટો વિવાદ ઉભો કરાઈ રહ્યો છે તો શહેર ભાજપ પ્રમુખે તો તપાસ કરાવવાના બદલે પોતે જ લકુલીશ ત્રિવેદીને ક્લિનચીટ આપી તેમને બદનામ કરવાના ઇરાદે કેટલાક ઇસમો ષડયંત્ર કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી દીધો.
