પ્રશાંત ગજ્જર, Bharuch News: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામની કુમાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી સાથે શિક્ષક દ્વારા ગંભીર મારપીટ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા હસનૈન રિઝવાન દીવાન નામના માસૂમ બાળકને અભ્યાસ સંબંધી બાબતો કે લેખન-વાંચનને લઈને શિક્ષક મુબારક દ્વારા પ્લાસ્ટિકની પાઇપથી ફટકારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બનાવને કારણે સ્થાનિક સ્તરે અને વાલી વર્ગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ભોગ બનનાર વિદ્યાર્થીની માતા અને પરિવાર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, તેમના પુત્રને અગાઉ પણ આ જ શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ બીજી વખત બનેલી ઘટનામાં બાળકના શરીર પર મારના ઊંડા નિશાનો અને પડઘા સ્પષ્ટપણે ઉપસી આવ્યા છે.
જ્યારે બાળકના વાલીઓ શાળાએ જઈને સંબંધિત શિક્ષક પાસે આ અંગે ખુલાસો માંગવા ગયા, ત્યારે શિક્ષક દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
નાની ઉંમરના બાળક પર થયેલા કથિત અત્યાચાર અને શિક્ષકના આ પ્રકારના અનિચ્છનીય વર્તનને કારણે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓ અને સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે, આવા બેજવાબદાર અને કઠોર શિક્ષક સામે કડક કાયદેસરની અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની હિંસા ન થાય.
આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલાની તપાસ સ્થાનિક સ્તરે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે. તપાસ અધિકારીઓની ટીમ દ્વારા ઘટનાસ્થળે રૂબરૂ પહોંચીને સમગ્ર મામલે પૂરતી વિગતો અને પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વિભાગ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસનો સત્તાવાર અહેવાલ પૂર્ણ થયા બાદ અને રિપોર્ટ સબમિટ થયા પછી દોષિત સામે નિયમોનુસારની યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી અમલમાં મૂકવામાં આવશે.
