Jambusar Boat Accident: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આજે વહેલી સવારે એક ગંભીર ઘટના સર્જાઈ હતી. જંબુસર તાલુકાના સારોદ, વેડચ અને માલપુર ગામના 8 માછીમારો દરિયામાં માછીમારી અર્થે ગયા, તે દરમિયાન બોટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બોટ બંધ પડી જતા અને સ્થિતિ કાબૂ બહાર જતાં માછીમારો દરિયામાં કૂદી બહાર નીકળ્યા હતા. જોકે, એક માછીમાર હજુ પણ લાપતા છે.
આજે 11 સપ્ટેમ્બર, શુક્રવારે વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. દરિયામાં મુશ્કેલીમાં મુકાયેલા માછીમારોની મદદ માટે સ્થાનિકો હરકતમાં આવ્યા હતા. દહેગામ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી સ્થાનિક માછીમારો અને ગ્રામજનોની સમયસૂચકતા તથા સરાહનીય મદદથી 7 માછીમારોને સલામત રીતે દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આ બચાવ કામગીરી દરમિયાન દહેગામના સરપંચ તેમજ કાવી ગામના સરપંચ પણ સ્થળ પર હાજર રહ્યા અને તેમણે બચાવ કાર્યનું સંચાલન કરી પૂરેપૂરો સહયોગ આપ્યો હતો. આ સમગ્ર દુર્ઘટનામાં 7 માછીમારોનો સદનસીબે આબાદ બચાવ થયો છે. પરંતુ કમનસીબે હાલમાં એક માછીમાર હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
દરિયાના ઊંડા પાણીમાં ગુમ થયેલા આ માછીમારની શોધખોળ માટે સ્થાનિક તંત્ર, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બનાવને પગલે સારોદ, વેડચ અને માલપુર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગ્રામજનો લાપતા માછીમાર હેમખેમ મળી આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
