Bharuch News: જંબુસર તાલુકામાં આંતરધર્મીય પ્રેમલગ્ન બાદ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવવાના વિવાદાસ્પદ મામલામાં નવો જ ખુલાસો સામે આવ્યો છે. મુસ્લિમ યુવક ફૈઝલ દિવાન અને હિન્દુ યુવતી, જેઓ વ્યવસાયે BHMS ડૉક્ટર છે, તેમણે પ્રેમલગ્ન કર્યા હતા. આ મામલે વકીલ હોવાનું કહીને ભરતભાઈ વણકર નામના શખ્સે બંને પાસેથી 2.37 લાખ રૂપિયા લઈને બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવી આપ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
ઘટનાની વિગતો મુજબ, વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી ડૉ. દિવ્યા રાઠોડ ગત 7 મેના રોજ પરિવારને કોર્ટ મેરેજ કર્યાની જાણ કરી ઘરેથી સોનાનો 6 તોલાનો હાર લઈને નીકળી ગઈ હતી. લાંબી શોધખોળ બાદ પરિવારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. તપાસ દરમિયાન યુવકના મામા દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરાયું હતું. જોકે, કુબેર ભવન સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીએ લેખિતમાં પુષ્ટિ કરી હતી કે આવા કોઈ લગ્નની નોંધણી થયેલી નથી અને કચેરી દ્વારા આવું પ્રમાણપત્ર ઇશ્યુ કરાયું નથી.
આ મામલે ડૉ. દિવ્યાના પિતા કિરીટ રાઠોડે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફૈઝલ દિવાનની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. દરમિયાન, 'લવ જેહાદ'ના આક્ષેપો વચ્ચે ડૉ. દિવ્યા રાઠોડે સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ આવીને પતિ ફૈઝલના બચાવમાં ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. તેમણે પોતાના વિધર્મી પતિ વિરુદ્ધ કરવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને યોગ્ય ન્યાયની માંગ કરી છે. હાલ સમગ્ર પ્રકરણ પોલીસ તપાસ હેઠળ હોવાથી પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સત્ય બહાર આવશે.
