પ્રશાંત ગજ્જર, Vadodara Crime News: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રકરણે જે.પી. રોડ પોલીસે ગુનો નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની પીડિત મહિલા અને આરોપી નૂર હસન પઠાણ (ઉંમર 37 વર્ષ, રહે. ગોરવા, વડોદરા) આશરે 10 વર્ષ પહેલાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તે સમયગાળા દરમિયાન બંને પોતાના અંગત કારણોસર અન્ય જગ્યાએ લગ્નગ્રંથિથી જોડાઈ જતાં તેમનો પરસ્પર સંપર્ક તૂટી ગયો હતો. સમય જતાં પીડિત મહિલાના છૂટાછેડા થઈ ગયા હતા.
પત્ની તરીકે સ્વીકારવાની વાત કરી વિશ્વાસ કેળવવા બોગસ કરાર કર્યો
વર્ષ 2024માં આરોપીએ બ્યુટી પાર્લરના કામ અર્થે ફરીથી મહિલાનો સંપર્ક સાધ્યો હતો. અગાઉથી પરણિત હોવા અને ત્રણ સંતાનોના પિતા હોવા છતાં આરોપી નૂર હસને આ વાત છુપાવી હતી. તેણે મહિલાને પોતાની પત્ની તરીકે સ્વીકારવાની અને સમાજમાં માનભર્યું સ્થાન અપાવવાની ખોટી લાલચ આપી હતી.
આટલું જ નહીં, વિશ્વાસ કેળવવા માટે તેણે મહિલા સાથે એક બનાવટી સમજૂતી કરાર પણ કર્યો હતો અને પોતાની પ્રેમજાળમાં ફસાવીને છેલ્લા ત્રણ વર્ષથી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
સંબંધો આગળ વધ્યા બાદ જ્યારે મહિલાએ આધાર કાર્ડમાં નામ બદલાવવાની અને પત્ની તરીકેના કાયદેસરના હક્કો માંગવાની વાત કરી, ત્યારે આરોપીનું અસલી રૂપ બહાર આવ્યું હતું. આરોપીએ પીડિત મહિલાને ઓળખવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને છેતરપિંડી આચરી હતી.
આ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાનના અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. અંતે કંટાળીને પીડિત મહિલાએ જે.પી. રોડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. જે.પી. રોડ પોલીસે દુષ્કર્મ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આરોપી નૂર હસન પઠાણની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની અને આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
