Vadodara Mevliyapura Group Clash: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા મેવલીયાપુરા ગામમાં બે જૂથ વચ્ચે હિંસક વિવાદ થયો હતો. સોશિયલ મીડિયાની એક પોસ્ટને લઈને શરૂ થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં પથ્થરમારો અને મારક હથિયારોનો ઉપયોગ થતાં બે લોકો ઘાયલ થયા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 15 જેટલા શખ્સોની અટકાયત કરી છે.
વિવાદનું મૂળ: સોશિયલ મીડિયા પોસ્ટ
આ ઘટનાની વિગતો અનુસાર, મેવલીયાપુરા ગામમાં 'VSR' અને 'PS' નામના બે સાઉન્ડ સિસ્ટમ ગ્રુપ કાર્યરત છે. આ બંને ગ્રુપ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોણ શ્રેષ્ઠ છે તે સાબિત કરવાની હોડ જામી હતી. આ સ્પર્ધામાં એકબીજા વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવામાં આવતા મામલો ગરમાયો હતો.
બે જૂથો વચ્ચે ધીંગાણું અને પથ્થરમારો
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી શરૂ થયેલા આ વિવાદમાં રાત્રિના સમયે બંને જૂથ સામસામે આવી ગયા હતા. બે સમાજના જૂથો વચ્ચે ધીંગાણું અને પથ્થરમારો થયાની જાણ થતાં જ સાવલી, ભાદરવા અને જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે એટલે કે મેવલીયાપુરા ગામે દોડી ગયો હતો.
બે ઈજાગ્રસ્ત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પથ્થરમારાની આ ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સાવલીના જન્મોત્રી ચિકિત્સા કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળે છે.
સામસામે ફરિયાદ: 15 લોકોની અટકાયત
આ મામલે ભાદરવા પોલીસ સ્ટેશનના PI જે.એ. બારોટે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી અને કુલ 19 વ્યક્તિઓ સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. જેમાંથી પોલીસે 15 આરોપીઓની અટકાયત પણ કરી લીધી છે. જેના કારણે સમગ્ર ઘર્ષણ થયું હતું તે વિવાદિત પોસ્ટ અગાઉ ડીલીટ કરી દેવામાં આવી હોવાથી પોલીસ હવે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Vadodara: ગોત્રી ગાર્ડનમાં યુવતી પર વિધર્મી યુવકે કર્યો હુમલો, લગ્ન માટે ના પાડતા જાહેરમાં માર માર્યો
કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવવા અપીલ
પોલીસે જે 19 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેમાં અશોક મગનભાઈ ભોઈ, રાજેશ મગનભાઈ ભોઈ, રીતેશ ઉર્ફે મેક્સવેલ, દિલીપ ભુપતભાઈ સોલંકી, સરદારસિંહ સોલંકી, અને મહેન્દ્ર ફતેસિંહ સોલંકી જેવા મુખ્ય નામનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે પોલીસે ગ્રામજનોને શાંતિ અને ભાઈચારો જાળવવા તેમજ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવવા માટે ખાસ અપીલ કરી છે.
