Vadodara: ગોત્રી ગાર્ડનમાં યુવતી પર વિધર્મી યુવકે કર્યો હુમલો, લગ્ન માટે ના પાડતા જાહેરમાં માર માર્યો

આ બનાવ બાદ ગોત્રી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની અટકાયત કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 11 May 2026 12:54 PM (IST)Updated: Mon, 11 May 2026 12:54 PM (IST)
vadodara-police-detained-youth-who-attacked-girl-in-gotri-garden
HIGHLIGHTS
  • વડોદરાના ગોત્રી ગાર્ડનમાં યુવતી પર હુમલો
  • લગ્નનો ઇનકાર કરતા જાહેરમાં માર માર્યો

Vadodara Crime News: સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જાણીતા ગોત્રી ગાર્ડનમાં ગઈકાલે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વિધર્મી યુવકે યુવતીને ગાર્ડનમાં મળવા બોલાવી લગ્ન માટે દબાણ કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. જે ભારે હોબાળો મચી ગયો અને ગાર્ડનમાં હાજર લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

લગ્ન માટે દબાણ અને યુવતી પર હુમલો

મળતી માહિતી મુજબ, આરોપી યુવક અને યુવતી વચ્ચે અગાઉથી પરિચય હોવાનું મનાય છે. યુવકે યુવતીને વાતચીત કરવા માટે ગોત્રી ગાર્ડન ખાતે બોલાવી હતી. ત્યાં ચર્ચા દરમિયાન યુવકે યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને પછી દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, યુવતીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડતા યુવક ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવી જઈ યુવતી સાથે ઝાપટઝુપી કરી હુમલો કર્યો હતો.

લોકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો

યુવતીએ અચાનક થયેલા હુમલાથી ગભરાઈને બૂમાબૂમ કરતા ગાર્ડનમાં વોકિંગ કરી રહેલા અને બેઠેલા લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ યુવકને પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો, જેમાં યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને યુવકની અટકાયત કરી હતી.

હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો

આ બનાવની જાણ થતા જ હિંદુ જાગરણ મંચ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. કાર્યકર્તાઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને વિધર્મી યુવક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સંગઠનોએ શહેરમાં દીકરીઓની સુરક્ષા અને જાહેર સ્થળોએ વધતા જતા આવા કિસ્સાઓ સામે પોલીસ પેટ્રોલિંગ વધારવાની રજૂઆત કરી હતી.

જાહેર બાગ-બગીચામાં આ પ્રકારે ધોળા દિવસે યુવતી પર હુમલો થતા ગોત્રી ગાર્ડનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં ગોત્રી પોલીસે યુવક અને યુવતી વચ્ચેના સંબંધો તેમજ હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.