Vadodara: લાલબાગના રોયલ મેળામાં બાઉન્સરોનો આતંક, મુલાકાતીઓ પર લાઠીચાર્જ કરતા અફરાતફરી

પોલીસે વીડિયોના આધારે હુમલાખોર બાઉન્સરોની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 11 May 2026 12:28 PM (IST)Updated: Mon, 11 May 2026 12:28 PM (IST)
vadodara-lalbagh-royal-fair-bouncers-lathi-charge-attack-on-visitors
HIGHLIGHTS
  • વડોદરાના લાલબાગમાં ચકચારી બનાવ
  • રોયલ મેળામાં બાઉન્સરોનો ભારે આતંક
  • બાઉન્સરોનો મુલાકાતીઓ પર લાઠીચાર્જ

Vadodara Royal Fair Bouncer Attack: સંસ્કારી નગરી વડોદરામાં મનોરંજન માટે આવેલા નાગરિકો માટે લાલબાગ બ્રિજ પાસેનો ‘રોયલ મેળો’ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. મેળાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા બાઉન્સરોએ સામાન્ય જનતા પર લાકડીઓ વડે હુમલો કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

બાઉન્સરોએ કરી મુલાકાતીઓ પર ડંડાવાળી

મળતી માહિતી મુજબ, વીકેન્ડ હોવાથી લાલબાગ બ્રિજ પાસે ભરાયેલા રોયલ મેળામાં મોટી સંખ્યામાં પરિવારો અને યુવાનો ઉમટી પડ્યા હતા. કોઈ કારણોસર મેળાના સંચાલકો દ્વારા રાખવામાં આવેલા બાઉન્સરો અને મુલાકાતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો, અને બાઉન્સરોએ કાયદો હાથમાં લઈને મુલાકાતીઓ પર ડંડાવાળી શરૂ કરી દીધી હતી.

વીડિયો વાયરલ: મહિલાઓ-બાળકોમાં ફફડાટ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાળા કપડામાં સજ્જ બાઉન્સરો નિર્દયતાપૂર્વક લોકોને ફટકારી રહ્યા છે. મેળામાં મનોરંજન માટે આવેલા નાના બાળકો અને મહિલાઓમાં આ દ્રશ્યો જોઈને ચીસાચીસ મચી ગઈ હતી. અચાનક થયેલ આ મારામારીને કારણે મેળામાં નાસભાગ મચી ગઈ અને લોકો આમ-તેમ દોડતા નજરે પડ્યા હતા.

રાવપુરા પોલીસની કાર્યવાહી અને ફરિયાદ

આ હિંસક ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પીડિતો દ્વારા આ મામલે રાવપુરા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે હુમલો કરનાર બાઉન્સરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, "કોઈપણ ખાનગી સિક્યુરિટી ગાર્ડ કે બાઉન્સરને નાગરિકો પર હાથ ઉપાડવાનો અધિકાર નથી." વધુમાં પોલીસે ખાતરી આપી છે કે મેળાના આયોજકોની પણ પૂછપરછ કરવામાં આવશે, અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરાના નાગરિકોમાં ભારે રોષ

શહેરીજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સુરક્ષા માટે રાખેલા લોકો જ જોખમરૂપ બનતા હોય, તો પરિવારોએ મનોરંજન માટે ક્યાં જવું? હાલમાં રાવપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.