Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં પતિના હાથે પત્નીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં માનસિક બીમાર પતિ પત્નીની હત્યા કરીને પોલીસ મથકે હાજર ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સોનગઢ ગામમાં રહેતા બહાદૂરભાઈ જળુંએ આજે સવારે 4 વાગ્યાની આસપાસ ખાટલામાં સૂતેલા તેમના પત્ની મનસાબેનની લાકડીના આડેધડ ફટકા મારીને હત્યા કરી હતી. પત્નીને મોતને ઘાટ ઉતારી હત્યારો પતિ સામેથી થાનગઢ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
જે બાદ થાનગઢ પોલીસે મૃતકના પુત્રનો સંપર્ક સાધ્યો હતો. હાલ તો મનસાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાદુરભાઈ જળુ અસ્થિર મગજના હોવાથી તેઓ છેલ્લા 30 વર્ષથી માનસિક બીમારીની દવા લેતા હતા.
ગઈકાલે એમના મગજમાં એવી કોઈ વાત આવી જતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્નીને કપાળના ભાગે લાકડીના ઉપરાછાપરી ફટકા મારતા તેઓ લોહીલુહાણ થઈને ખાટલામાં જ ફસડાઈ ગયા હતા. હાલ તો પોલીસે મૃતકના પુત્રના ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.