Surat: સુરત મનપાના ફાયર બ્રિગેડના જવાનોએ એક મહિલા માટે દેવદૂત બન્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં આપઘાતના ઈરાદે એક મહિલાએ તાપી નદીમાં કૂદકો માર્યો હતો. જેને ફાયર બ્રિગેડના જવાનોએ CPR આપ્યા હતા અને પોતાના ખભા પર ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડીને તેને નવજીવન આપ્યું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના વિયર કમ કોઝ-વે નજીક સિંગણપોર તરફ તાપી નદીમાં સાંજના સમયે એક મહિલા તાપી નદીમાં કૂદી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક માછીમારો બોટ લઈને ગયા હતા અને મહિલાને બહાર કાઢી કિનારે લઇ આવ્યા હતા.
બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ડભોલી ફાયર સ્ટેશનથી સબ ફાયર ઓફિસર અક્ષય પટેલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાં મહિલા બેભાન અવસ્થામાં હોય ફાયરના જવાનોએ મહિલાને તાત્કાલિક CPR આપ્યા હતા. આ સમયે 108ની એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગના જવાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા હોય, તેમ મહિલાને પોતાના ખભા પર ઉંચકીને દોટ મૂકી એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી. જે બાદ મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસે મહિલાની ઓળખ તેમજ તેણે ક્યા કારણોસર આ પગલું ભર્યું, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ તો મહિલા સ્વસ્થ થયા બાદ તેની પૂછપરછના અંતે જ વધુ વિગતો સામે આવશે, તેમ જાણવા મળી રહ્યું છે.