Surat: શહેરના પાંડેસરા વિસ્તારમાં 27 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવકે એક યુવતી સાથે પ્રેમસબંધના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. હાલ તો મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર ધરણાં પર બેસી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ શહેરના પાંડેસરા વિસ્તારના નાગસેનનગરમાં માતા-પિતા અને બે બહેનો સાથે દિપક સેન્દા નામનો યુવક રહેતો હતો. ગઈકાલે દિપકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
જ્યાં દિપકના માતા-પિતા અને બે બહેનોએ ન્યાયની માંગ સાથે પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણાં પર બેસી ગયા હતા. પોસ્ટમોર્ટમ રૂમ બહાર દિપકની માતા અને બહેનોના હૈયાફાટ રૂદને ઉપસ્થિત સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા.
આ મામલે મૃતક યુવકના સબંધી ગોપાલ સોનવણેએ જણાવ્યું કે, દિપકને 6-7 વર્ષથી એક યુવતી સાથે પ્રેમસબંધ હતો. એકવાર યુવતીના ભાઈએ અન્ય લોકો મારફતે દિપક સાથે મારઝૂડ કરી હતી. તેઓ દિપકને સતત ટોર્ચર કરતાં હતા અને યુવતીને પણ તેના ઘરવાળા સતત માનસિક ત્રાસ આપતા હતા.

છેલ્લા કેટલાક દિવસથી દિપકને તેમજ તેના ઘરવાળાને યુવતીના પરિવાર તરફથી મારવાની ધમકી મળતી હતી. અમારી સમગ્ર સમાજ અને મિત્ર મંડળ તરફથી એક જ માંગ છે કે, ગુનેગારો સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ. જેથી અમને ન્યાય મળે.