Surat: વોટ્સએપ પર લગ્ન કંકોત્રીની APK ફાઈલ મોકલી રૂ. 10 લાખ ખંખેર્યા, સાયબર ક્રાઈમે ખાતું ભાડે આપનાર ગઠિયાને ઉત્તર પ્રદેશથી દબોચ્યો

સુરત સાયબર ક્રાઈમે વોટ્સએપ પર લગ્ન કંકોત્રીની APK ફાઈલ દ્વારા ₹10.02 લાખની છેતરપિંડી કરનાર એક યુવકની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપી દેવેન્દ્ર મલિકે કમિશન માટે પોતાનું બેંક ખાતું સાયબર ગઠિયાઓને ભાડે આપ્યું હતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Nov 2026 07:51 PM (IST)Updated: Fri, 27 Nov 2026 07:51 PM (IST)
surat-news-cyber-crime-held-accused-from-up-for-rs-10-lakh-fraud-by-send-apk-file

Surat: સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં લગ્ન કંકોત્રીની એપીકે ફાઈલ મોકલીને ફોનનું એક્સેસ મેળવીને પૈસા પડાવનાર એક યુવકની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે.

સુરતના એક વ્યક્તિએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વ્યક્તિના વોટ્સએપ પર લગ્નની કંકોત્રી તરીકે APK ફાઈલ મોકલવામાં આવી હતી. જે ડાઉનલોડ કરતાંની સાથે જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. જેનું એક્સેસ આરોપીએ મેળવીને તેમના ખાતામાંથી રૂ.10.02 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી.

દેવેન્દ્ર મલિક નામના યુવકે પોતાના ખાતામાં આવેલી રકમ ઉપાડી લીધી હતી. જે પૈકી 20 ટકા રકમ પોતાના કમિશન તરીકે રાખીને બાકીની રકમ અન્ય આરોપીઓને ટ્રાન્સફર કરી દીધી હતી, જે હાલ ફરાર છે.

બિજનોરના દેવેન્દ્ર મલિકે કમિશનની લાલચમાં બેંક ખાતુ ભાડે આપ્યું હતુ

સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૈસાની લેવડ-દેવડ માટે ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓનું સતત મોનિટરિંગ કર્યું હતુ. જેના આધારે બિજનોરના ખાતાધારકનું પગેરું મળ્યું હતુ. ઉત્તર પ્રદેશના 28 વર્ષીય ખાતાધારકની ધરપકડ કરવામાં આવી છે. જેના પર સાયબર ગઠિયાઓની મદદ કરવાનો આરોપ છે.

પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ બિજનોર જિલ્લાની ધર્મનગર કોલોનીમાં રહેતા દેવેન્દ્ર મલિક તરીકે થઈ છે. જેણે સાયબર ફ્રોડના રૂપિયાની લેવડ-દેવડ માટે સાયબર ગઠિયાઓને પોતાનું બેંક ખાતુ ભાડે આપ્યું હતુ, જેના બદલે કમિશન મેળવતો હતો. હાલ તો સાયબર ક્રાઈમની ટીમે ભારતીય દંડ સંહિતા 2023ની તેમજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2008ની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.