Ahmedabad: અમદાવાદ શહેરમાં રોડ પર આડેધડ પાર્કિંગ અને જાહેર સ્થળો પર લારીઓ ઉભી રાખીને ખાણીપીણીના સ્ટોલ અને શાકભાજી-ફ્રૂટનો વેપાર કરતાં ફેરિયાઓના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આજ કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ દ્વારા અવારનવાર દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવતી રહે છે, ત્યારે બાપુનગરમાં આવી જ એક ડ્રાઈવ દરમિયાન કોર્પોરેશનની ટીમ અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાની ઘટના સામે આવી છે.
તોફાની ટોળાના હુમલામાં મહિલા કોન્સ્ટેબલનું માથું ફૂટ્યું
હકીકતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગની ટીમ પોલીસના બંદોબસ્ત સાથે બાપુનગર ચાર રસ્તા પર આવેલી શાક માર્કેટમાં જાહેર રોડ પરના દબાણો દૂર કરવા પહોંચી હતી. આ દરમિયાન શાકભાજીનો વેપાર કરતાં ફેરિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
આ દરમિયાન હિંસક બનેલા તોફાની ટોળાએ એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસની ટીમ પર છૂટી ઈંટો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં એક મહિલા કોન્સ્ટેબલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલે એસ્ટેટ ઈન્સ્પેક્ટર અભિષેક ડામોરે બાપુનગર પોલીસ મથકમાં શાકભાજીના વેપારીઓ સહિત 11 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
