Gujarat Saras Mela: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ હવે માત્ર ઘરની ચાર દીવાલો પૂરતી સીમિત ન રહેતા, રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે. પોતાની હસ્તકલા અને મહેનતના જોરે ગામડાની બહેનો સફળ બિઝનેસવુમન તરીકે ઉભરી આવી છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)ના સહયોગથી વર્ષ 2021થી 2026 દરમિયાન રાજ્યમાં કુલ 236 'સરસ મેળા' યોજાયા હતા. આ મેળાઓમાં 8,500થી વધુ સખી મંડળો (SHGs) એ ભાગ લઈને અંદાજે ₹39 કરોડથી વધુનો બિઝનેસ કરી સૌને ચોંકાવી દીધા છે.
તહેવારોની સિઝનમાં ગ્રામીણ બહેનોની પ્રોડક્ટ્સની બોલબાલા
ચાલુ વર્ષે તહેવારો દરમિયાન યોજાયેલા મેળાઓમાં શહેરી ગ્રાહકોએ ગ્રામીણ બહેનોની વસ્તુઓને હાથોહાથ લીધી હતી. શ્રાવણ માસમાં યોજાયેલા 7 મેળાઓમાં 187 સ્ટોલ પર 370 બહેનોએ ₹1.3 કરોડનું વેચાણ કર્યું, જેની 10 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ જ રીતે પ્રિ-નવરાત્રી મેળામાં 766 બહેનોએ ₹2 કરોડથી વધુની કમાણી કરી હતી. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રીમાં પણ સખી મંડળોના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યારે મહેસાણા, અમરેલી અને નવસારીના પ્રી-દિવાળી મેળાઓમાં 226 બહેનોએ શાનદાર વેપાર કર્યો હતો.
વચેટિયા વગર સીધું બજાર અને આધુનિક તાલીમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ યોજાતા આ મેળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ કારીગરોને વચેટિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરવાનો છે. અહીં બહેનો પોતાની પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ અને ઘરગથ્થુ ખાદ્યપદાર્થો સીધા ગ્રાહકોને વેચી શકે છે. આ સાથે જ તેમને પ્રોડક્ટનું પેકેજિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કેવી રીતે કરવું તેની પ્રેક્ટિકલ તાલીમ પણ અપાય છે, જેથી તેઓ લોકલ બજારમાંથી બહાર નીકળીને નેશનલ લેવલ પર પોતાની ઓળખ બનાવી શકે.
અમદાવાદ અને રાજકોટના સરસ મેળામાં ₹8.62 કરોડનો ઐતિહાસિક વકરો
તાજેતરમાં અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના 'સરસ મેળા'એ વેચાણના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. બંને શહેરોમાં મળીને કુલ 324 સ્ટોલ પર 648 બહેનોએ સંયુક્ત રીતે ₹8.62 કરોડનું વેચાણ કર્યું છે.
અમદાવાદ સરસ મેળો: 23 ઓક્ટોબર થી 5 નવેમ્બર, 2026 દરમિયાન યોજાયેલા આ મેળામાં 160 સ્ટોલ પર 320 બહેનોએ ભાગ લીધો હતો. અહીં 6.5 લાખથી વધુ મુલાકાતીઓએ ₹3.5 કરોડથી વધુની ખરીદી કરી હતી. આ પ્રસંગે ધોળકા અને બાવળાના 4 સખી મંડળોને ₹23 લાખની લોન સહાય અને 5 બહેનોને 'લખપતિ દીદી' પ્રમાણપત્ર અપાયા હતા.
રાજકોટ સરસ મેળો: 25 ઓક્ટોબર થી 5 નવેમ્બર, 2026 દરમિયાન 164 સ્ટોલ પર 328 બહેનોએ 10 લાખથી વધુ મુલાકાતીઓ સમક્ષ પોતાની કલા રજૂ કરી ₹5.12 કરોડનું જંગી વેચાણ નોંધાવ્યું હતું. અહીં 5 મિશન મંગલમ જૂથોને ₹22 લાખની લોન, ઉપલેટાના ક્લસ્ટર ફેડરેશનને ₹3.5 લાખનું સ્ટાર્ટ-અપ ફંડ, 2 જૂથોને અમૂલ પાર્લરની મંજૂરી અને 5 બહેનોને 'લખપતિ દીદી' સન્માન અપાયું હતું.
ONDC અને ઈ-કોમર્સ દ્વારા ડિજિટલ માર્કેટમાં એન્ટ્રી
આજના ડિજિટલ યુગમાં ગ્રામીણ બહેનો પાછળ ન રહી જાય તે માટે મેળા દરમિયાન ખાસ વર્કશોપ પણ યોજાયા હતા. જેમાં બહેનોને ONDC (Open Network for Digital Commerce) પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચાણ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, માઈક્રો ફાઈનાન્સ અને ફૂડ વેલ્યુ એડિશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી તેઓ ઘરે બેઠા આખા દેશમાં પોતાનો માલ વેચી શકે.
હવે કચ્છના રણોત્સવમાં જામશે 'સખી ક્રાફ્ટ બજાર'
આ સફળતા બાદ હવે આગામી 5 ડિસેમ્બર, 2026 થી 15 જાન્યુઆરી, 2027 દરમિયાન વિશ્વપ્રસિદ્ધ કચ્છના રણોત્સવ ખાતે ખાસ 'સખી ક્રાફ્ટ બજાર'નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દર 15 દિવસે રોટેશન મુજબ 100 ક્રાફ્ટ સ્ટોલ અને 10 ફૂડ સ્ટોલ એમ કુલ 110 સ્ટોલ 650થી વધુ બહેનોને ફાળવવામાં આવશે. આ આયોજનથી દેશ-વિદેશથી કચ્છ ફરવા આવતા પ્રવાસીઓ ગુજરાતની ગ્રામીણ હસ્તકલા અને સ્વાદિષ્ટ વ્યંજનોનો સીધો પરિચય મેળવી શકશે.
