Surat Family Murder Case: સુરતમાં બારડોલી નેશનલ હાઇવે પર ઉવા અને સેજવાડ ગામની હદમાંથી પસાર થતી ઉકાઈ કાકરપાર સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલમાં મહારાષ્ટ્રના જલગાંના પરિવારના સભ્યોને ફેંકી દેવાના સામૂહિક હત્યાકાંડ પાછળ વીમા કૌભાંડની આશંકા ઘેરી બની છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, વીમા કૌભાંડનો ભાંડો ફૂટ્યા બાદ કડીઓ અને પુરાવાઓ ભૂંસવા માટે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
50 લાખના વળતરનો દાવો અને 10 લાખનો ક્લેમ
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને મહારાષ્ટ્રમાં ખાનગી રાહે કરાયેલી તપાસમાં એવી વિગતો સપાટીએ આવી છે કે, આરોપીઓએ મૃતક કવિતા પટીલના પહેલા પતિ સંજય પાટીલનું સ્વિફ્ટ ડિઝાયર કાર દ્વારા બનાવટી અકસ્માત દર્શાવી ધુળે કોર્ટમાં વીમા કંપની સામે રુ.50 લાખના વળતરનો દાવો કરાયો હતો. આ અગાઉ પણ પ્રથમ પતિના યશ બેંક ડેબિટ કાર્ડ સાથે જોડાયેલી વીમા પોલિસી હેઠળ ક્લેમ કરીને 24 સપ્ટેમ્બર 2025ના રોજ એચડીએફસી બેન્કના ખાતામાં રુ.10 લાખ જમા થયા હોવાની માહિતી સામે આવી છે. આરોપીઓએ મહિલા અને તેના બીજા પતિ નીતિન પાટીલના નામે બોગસ વીમો ઉતરાવ્યો હોવાનું સામે આવ્યું હતું,
ફરિયાદ પછી બે દિવસમાં નહેરમાં ફેકવાની ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર, સમગ્ર ઘટના અંગે મહારાષ્ટ્રના મેઘવાણબારી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે પછી ઘટનાના બે દિવસ પછી એટલે કે, 21 નવેમ્બરે બારડોલી પાસે મુખ્ય કેનાલમાં મહિલા કવિતા અને તેના પતિ નીતિન અને તેના બાળકોને કેનાલમાં ફેંકી દેવાની ઘટના બની હતી. આ ઘટનામાં કારમાં આંતરીને અપહરણ કર્યા બાદ નહેરમાં ફેકીં દેવાયેલા એક સગીર બચી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
બે વર્ષના પ્રથમેશનો મૃતદેહ મળ્યો, હરીશ હજુ લાપતા
નહેરમાંથી દંપતી અને દોહિત્રીના મૃતદેહ મળ્યાના બે દિવસ બાદ સરભોણ નહેરના પાણીમાંથી બે વર્ષના પ્રથમેશ સંજય પાટીલનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 15 વર્ષીય હરીશ સંજય પાટીલ હજુ પણ લાપતા છે. જલગાંવથી ઝડપાયેલા આરોપી દયાનંદ ઉર્ફે ખંડિયા સંભાજી ભદાણેના 8 દિવસના રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે વીમા સંબંધિત પ્રકરણમાં હત્યાનો પ્લાન બંટી અને આભા નામના શખ્સોએ બનાવ્યો હતો અને તે તેમાં સામેલ થયો હતો.
સત્તાવાર પુષ્ટિ બાકી, મુખ્ય આરોપીઓની શોધખોળ
વીમા કૌભાંડ અને સામૂહિક હત્યાકાંડ વચ્ચેના જોડાણ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે, જોકે પોલીસે આ માહિતીને પ્રાથમિક ગણાવી છે અને આશંકાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. બંટી, આભા અને એક અજાણ્યા શખ્સ સહિતના મુખ્ય ષડયંત્રકારો પકડાયા બાદ જ સમગ્ર કાવતરા અને હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે તેમ મનાઈ રહ્યું છે.
