Surat: શહેરના પલસાણા વિસ્તારમાં જોળવા ગામે આવેલી સંતોષ ડાઈંગ મિલમાં ગતરોજ ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 20 લોકો ઘાયલ થયા હતા, જયારે બે મજૂરોના મોત થયા હતા. આજે કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી પણ હાજર રહ્યા હતા.
આ તકે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, પલસાણા GIDCની ફેક્ટરીમાં ડ્રમ ફાટવાના કારણે બ્લાસ્ટ થયો હતો. જેમાં ગુજરાત માટે મજૂરી કરનારા બિહારના આપણા બે પરપ્રાંતિય મજૂરોના મોત થયા છે અને 20થી વધુ ગંભીર ઘાયલ થયા છે. આ ઘટના બન્યાને આટલો સમય થયો હોવા છતાં પોલીસે ફેક્ટરીના માલિક કે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરી.
આનો એક જ અર્થ છે કે, બિહાર કે અન્ય રાજ્યોના મજૂરો, જે ગુજરાતમાં આવીને કાળી મજૂરી કરે છે અને પોતાનો પરસેવો પાડે છે. તેમના શ્રમનું મૂલ્ય રાજ્ય સરકાર કે અહીંની પોલીસને નથી.
કોંગ્રેસ એક પરિવાર તરીકે તમામ પીડિતોની સાથે છે. જે બે મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ સાથે જ ભોગ બનનારને ઓછામાં ઓછું 25-25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની માંગ કરીએ છીએ.
આ ઘટનામાં કસૂરવાર સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, તો કોંગ્રેસ ધરણાં કરશે. મજૂરોને વળતર અને ન્યાય મળે, તે માટે કોંગ્રેસ પોતાના ખર્ચે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે.