Surat: સુરત પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિહ ગેહલોતની નિમણુંક કરવામાં આવી છે. આજે અનુપમસિંહ ગેહલોતએ સુરત પોલીસ કમિશ્નર તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. અનુપમસિહ ગેહલોત અગાઉ વડોદરા પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા અને હવે તેઓની બદલી સુરત પોલીસ કમિશ્નર તરીકે કરવામાં આવી છે.
નવ નિયુક્ત સુરત પોલીસ કમિશ્નર અનુપમસિહ ગેહલોતે જણાવ્યું કે, સુરત શહેરમાં સુખ અને શાંતિ રહે તે માટેના તમામ પ્રયાસો પૂરી ટીમ દ્વારા કરવામાં આવશે. ટીમ વર્ક સાથે સુરતની પ્રજાની સેવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહી.
સુરત શહેરની પુરા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં ગણતરી થાય છે, ત્યારે આખા દેશમાંથી અહી લોકો કામ અર્થે આવતા હોય છે, ત્યારે અમારા માટે પણ ઘણા બધા ચેલેન્જ હોય છે. જો કે આ ચેલેન્જ પૂર્ણ કરવામાં પોલીસ કામ કરતી રહેશે. આ ઉપરાંત શહેરમાં હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ રહે છે જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાનો પણ પૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રજાનું કામ પોલીસ કમિશ્નર કચેરી કે સીનિયર અધિકારીઓ પાસે જવાની જરૂર ના પડે અને પોલીસ મથકેથી જ થઇ જાય એ માટેના પણ પુરા પ્રયાસ કરવામાં આવશે. સુરત પોલીસનું ડિટેકશન રેટ ખુબ જ સારું છે.
હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને પ્રચાર માટે અલગ અલગ પાર્ટીઓના મહાનુભવો આવશે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી અને મતદાન ગણતરી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવશે.