મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધારઃ ઉમરપાડામાં સવા 5 ઈંચ, 2 કલાકમાં સોનગઢમાં પોણા 2 ઈંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો

આજે 142 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. જ્યારે 49 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 18 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 04 Sep 2025 06:45 PM (IST)Updated: Thu 04 Sep 2025 06:45 PM (IST)
surat-news-142-taluka-across-the-gujarat-get-rain-till-6-pm-on-4th-september-2025-597452
HIGHLIGHTS
  • વીતેલા 2 કલાકમાં 90 તાલુકામાં મેઘમહેર
  • સુરતનો વિયર કમ કોઝવે ઑવરફ્લો થતા વાહન વ્યહાર માટે બંધ

Gujarat Rain Data | Surat: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એવામાં આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

આજે વહેલી સવાર થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 142 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 133 મિ.મી (5.24 ઈંચ) વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય તાપીના સોનગઢમાં 98 મિ.મી (3.8 ઈંચ), દાહોદના સિંગવડમાં 89 મિ.મી (3.5 ઈંચ),ભરુચના નેત્રંગમાં 87 મિ.મી (3.4 ઈંચ) અને આણંદના ખંભાતમાં 76 મિ.મી (2.9 ઈંચ) વરસાદ વરસ્યો છે.

દોઢ ઈંચ વરસાદમાં સુરતનો વિયર કમ કોઝવે ઑવરફ્લો, વાહન વ્યવહાર બંધ

જો સુરત શહેરની વાત કરીએ તો, બપોરે 2 થી 6 વાગ્યા સુધીના વીતેલા ચાર કલાક દરમિયાન 39 મિ.મી (1.5 ઈંચ) વરસાદ વરસ્યો છે. જે પૈકી 36 મિ.મી વરસાદ તો છેલ્લા 2 કલાકમાં જ તૂટી પડ્યો હતો.

વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી 337.53 ફૂટ નોંધાઈ હતી. ડેમમાં ઇનફલો 2,25,711 કયુસેક જયારે આઉટફલો 1,62,144 કયુસેક નોંધાયો હતો. જયારે સુરત શહેરમાં આવેલો વિયરકમ કોઝવે ઓવરફલો થયો હોવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને આજે બપોરે 4 વાગ્યે 8.4 મીટર નોંધાઈ હતી.

આજે 49 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો

બપોરે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 46 મિ.મી (1.8 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય સુરતના માંડવીમાં 38 મિ.મી, તાપીના વ્યારામાં 38 મિ.મી, પાટણના સાંતલપુરમાં 36 મિ.મી વરસાદ પડ્યો છે.

આજે આખા દિવસ દરમિયાના રાજ્યના 49 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 18 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.