Surat Nasirnagar Demolition Controversy: તાજેતરમાં સુરતના નાસીરનગરમાં થયેલા ડિમોલિશનનો મુદ્દો હાલ 'ટોક ઓફ ધ ટાઉન' છે. આ મામલે સુરત મ્યુનિ. કમિશ્નર દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આ ડિમોલિશનને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવ્યું છે.
રોડ ખુલ્લો કરવા માટે કાયદેસરની કાર્યવાહી
આ પણ વાંચો
એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 30 મે, 2026 ના રોજ સુરત મહાનગરપાલિકાની ટીમ નાસીરનગરમાં ડીમાર્કેટેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગઈ હતી. આ કામગીરી કોઈ ભૂતિયા ડિમોલિશન ન હતું, પરંતુ દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતના આધારે હાથ ધરવામાં આવેલી કાયદાકીય પ્રક્રિયા હતી. આ માટે મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતી, અને પ્રવર્તમાન નિયમોનુસાર જ પગલાં લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ વિભાગને રૂટીન જાણ કરી તેમનો જરૂરી સહયોગ પણ લેવામાં આવ્યો હતો.
ભ્રામક માહિતીથી કર્મચારીઓ માનસિક તણાવમાં
આશિષ નાયકે સોશિયલ મીડિયા અને બિન અધિકૃત મીડિયા પર ફેલાવવામાં આવતી માહિતી અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો અને બિન અધિકૃત મીડિયા દ્વારા અધૂરી અને એક તરફી ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. દુર્ભાગ્યવશ કેટલાક આગેવાનો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે આ મુદ્દાનો દુરુપયોગ કરી રહ્યા હોવાનું પણ જણાયું છે.
આ ઉપરાંત, SMC અધિકારીઓને દબાણમાં લાવીને બોલવા પણ દેવામાં આવ્યા નથી, જેના પરિણામે તેઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યના કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો: Surat: નાસીરનગરમાં કોણે કર્યું ડિમોલિશન? વીડિયો પુરાવા સાથે કોંગ્રેસે કરી CP સમક્ષ રજૂઆત
નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ
સુરત મનપા કમિશનર દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટી ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ પર નિષ્પક્ષ તપાસ કરી રહી છે, અને મનપાના અધિકારીઓ આ તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
સુરત ડિમોલિશન વિવાદ પર મનપાનો ખુલાસો; કહ્યું,"આ કોઈ ભૂતિયા કાર્યવાહી નથી."
— Gujarati Jagran (@gujaratijagran) June 11, 2026
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્ર્લ ઝોનના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે ખુલાસો કર્યો.#surat #suratnewws #suratbreakingnews #GujaratiNews #Gujarat #Gujaratijagran #ગુજરાતીજાગરણ pic.twitter.com/FEo3lq3BAw
વધુમાં, સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સબંધિત પક્ષોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ પ્રકારની અપ્રમાણિત અથવા ભ્રામિક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સતાવાર તારણોની રાહ જોવે.
