Surat Mysterious Demolition: સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં ગત 2 જૂનના રોજ 100 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી વખતે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ હાજર હતો. જોકે, સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે સુરત મહાનગરપાલિકાએ આ કાર્યવાહી પોતે ન કરી હોવાનો ખુલાસો કર્યો.
સ્થાનિક લોકોએ કર્યા ગંભીર આક્ષેપ
આ પણ વાંચો
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેમને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નજીકમાં બનેલી એક નવી સોસાયટી માટે રસ્તો સાફ કરવાના ઇરાદાથી તેમના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં બિલ્ડર લોબી, વહીવટીતંત્ર અને પોલીસની મિલીભગત હોવાની આશંકા છે.
સુરત મહાનગરપાલિકાનો મોટો ખુલાસો
આ મામલે કતારગામના ધારાસભ્ય વિનોદ (વીનુ) મોરડિયાએ સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત કરી હતી. કમિશનરે સ્પષ્ટ કર્યું કે, SMC દ્વારા ડિમોલિશનની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો છે કે, જો મનપા તંત્રએ કાર્યવાહી નથી કરી, તો ડિમોલિશન કર્યું કોણે? જેણે પણ કાયદો હાથમાં લીધો તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
SMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારની 1980 પછી કોઈ માપણી થઈ ન હતી. કોર્પોરેશનના કર્મચારીઓ માત્ર રસ્તાની માપણી (ડિમાર્કેશન) કરવા ગયા હતા અને તે માટે જ પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. તોડફોડમાં પાલિકાનો કોઈ જ રોલ નથી.
ભ્રષ્ટાચારના આક્ષેપો અને કોંગ્રેસનો પડકાર
આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, મનપાના અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લઈને રહેણાંક વિસ્તારોમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓની મંજૂરી આપી રહ્યા છે.
આ પણ વાંચો: Surat: પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કિલકિલાટ, ત્યજી દેવાયેલી બાળકીની 'છઠ્ઠી' ઉજવી નામ રાખ્યું 'કશિશ'
બીજી તરફ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ પુરાવા સાથે પડકાર ફેંકતા કહ્યું છે કે તેમની પાસે ઘટનાના સીસીટીવી ફૂટેજ છે. તેમણે માંગ કરી છે કે ફૂટેજમાં દેખાતા અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવે તો સત્ય બહાર આવી જશે.
પોલીસની ભૂમિકા પર ઉઠ્યા ગંભીર સવાલો
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે JCB મશીનો મકાનો તોડી રહ્યા હતા, ત્યારે ત્યાં પોલીસ તૈનાત હતી. જો આ તોડફોડ ગેરકાયદેસર થઈ રહી હતી, તો પોલીસે કેમ કોઈ પરવાનગી કે ઓર્ડર ન માંગ્યો અથવા કાર્યવાહી કેમ ન અટકાવી? હાલમાં મનપા દ્વારા આ રહસ્યમય ડિમોલિશન મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે સત્ય બહાર લાવશે.
