Surat: પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુંજ્યો કિલકિલાટ, ત્યજી દેવાયેલી બાળકીને મળ્યા માવતર; 'છઠ્ઠી' ઉજવી નામ રાખ્યું 'કશિશ'

ત્યજી દેવાયેલી આ બાળકી પાંડેસરા વિસ્તારમાંથી એક સફાઈકર્મીને મળી આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 07 Jun 2026 03:10 PM (IST)Updated: Sun, 07 Jun 2026 03:10 PM (IST)
pandesara-police-adopts-abandoned-infant-baby-girl-kashish-in-surat

Surat abandoned baby girl Kashish: સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ખાખી વર્દી પાછળ છુપાયેલા સંવેદનશીલ હૃદયનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશન એક પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગયું, કારણ કે રસ્તા પર ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી માટે સુરત પોલીસ 'માવતર' બનીને વહારે આવી છે.

'કશિશ' ને માવતર તરીકે મળી સુરત પોલીસ

પાંડેસરા પોલીસે ત્યજી દેવાયેલી બિનવારસી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે. વધુમાં, પાંડેસરા પોલીસ સ્ટેશનના પરિસરમાં જ બાળકીની 'છઠ્ઠી' ધામધૂમથી ઉજવી અને તેનું નામ રાખ્યું 'કશિશ'. આમ, સુરત પોલીસ દ્વારા ફરી એકવાર અનોખું ઉદાહરણ પૂરું પાડતા સમાજ માટે માનવતાની મહેક પ્રસરાવી છે.

રસ્તા પરથી મળી હતી ત્યજી દેવાયેલી બાળકી

થોડા દિવસો અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ફૂલ જેવી માસૂમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને બાળકીને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં 14 દિવસની સઘન સારવાર બાદ જ્યારે આ બાળકી બિલકુલ સ્વસ્થ થઈ, ત્યારે પોલીસ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

naidunia_image

પોલીસ સ્ટેશનમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે 'છઠ્ઠી' 

દુનિયાની નજરે જે બાળકી અનાથ હતી, તેને સુરત પોલીસ પરિવારે એકસૂરે સ્વીકારી લીધી હતી. હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ બાળકીના જન્મના છઠ્ઠા દિવસે પોલીસ સ્ટેશનમાં જ 'છઠ્ઠી વિધિ' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે પાંડેસરા પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી ઘરની જેમ જ શણગારવામાં આવ્યું. ACP ઝવેર દેસાઇ અને PI કે.ડી.જાડેજા સહિત તમામ કર્મચારીઓ એક પરિવારની જેમ પૂજામાં બેઠા હતા.

'કશિશ' શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કર્યું નામકરણ

વિધિ દરમિયાન ગોર મહારાજના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું અત્યંત વહાલપૂર્વક "કશિશ" નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે કશિશને પહેલીવાર પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે તેના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને કંકુ પગલાં પણ પાડવામાં આવ્યા હતા. ACP, PI અને તમામ સ્ટાફે દીકરીને હીંચકામાં ઝુલાવી, જ્યારે મહિલા પોલીસકર્મીઓએ દીકરીને ખોળામાં રમાડીને હાલરડા ગાતા વાતાવરણ ભાવુક બની ગયું હતું.

naidunia_image

દિકરીને ભેટમાં આપ્યા અનેક કપડાં અને રમકડા

આ દિકરી માટે માત્ર ઉજવણી જ નહીં, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાંડેસરા પોલીસ મથકના PI કે.ડી.જાડેજા તરફથી જીયાણાની તમામ વસ્તુઓ, 30 જોડી કપડાં, રમકડા અને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ દીકરીને ભેટમાં આપવામાં આવી હતી.

'હવે આ પોલીસ સ્ટેશન તેનું હર્યુંભર્યું પરિવાર છે'

આ પ્રસંગે ગળગળા સાદે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, "ભલે આ દીકરીને તેના જન્મેતાઓએ ત્યજી દીધી હોય, પણ હવે આ આખું પોલીસ સ્ટેશન તેનું હર્યુંભર્યું પરિવાર છે. કશિશના ઉછેરમાં અને તેના ભવિષ્યમાં અમે કોઈ કમી રાખવા માંગતા નથી."

સુરત પોલીસના આ સંવેદનશીલ અને માનવીય ચહેરાની આજે ચોમેર પ્રશંસા થઈ રહી છે. જે સાબિત કરે છે કે ખાખીમાં માત્ર સખ્તાઈ જ નથી, પણ એક ધબકતું અને માયાળુ દિલ પણ હોય છે. બાળકીને તરછોડી દેનારા અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ પણ શરૂ કરી દીધી છે.