Surat Crime News: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને એક મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં 30 વર્ષથી વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશના તરસમા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
30 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
મળતી માહિતી મુજબ, મહિધરપુરા પોલીસ મથકમાં વર્ષ 1997માં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો આરોપી જયનારાયણ ઉર્ફે ધરમરાજસિંહ રાજપૂત છેલ્લા 30 વર્ષથી વોન્ટેડ હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, આરોપી મધ્યપ્રદેશ પોસરા ખાતે રહે છે, જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશ પહોચી હતી.
આરોપીએ 1997માં આચર્યો ગુનો
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને તરસમા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી તેના સાગરિત મહેશ, ધુરંદન અને ગુડ્ડુ ભદોરીયાએ સાથે મળી મહિધરપુરા હીરા બજાર ખાતેથી 1.50 લાખની લૂંટ કરી નાસી ગયા હતા.
આરોપી વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કરાયું
આરોપી સામે મહિધરપુરા પોલીસ મથકમાં લૂંટ તથા આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો તેમજ આરોપી 30 વર્ષથી નાસતો ફરતો હોય આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું.
