Surat Liquor Network Busted: સુરતમાં ક્રાઈમ બ્રાંચની ટીમને દારુની ગેરકાયદેસર હેરફેર સામે મોટી સફળતા મળી છે. ખોટી નંબર પ્લેટ વાળી કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો સુરત ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસે મહિલા સહીત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 21.26 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
વિદેશી દારુની હેરફેર ઝડપાઈ
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, પ્રોહીબિશનની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો સુરેન્દ્ર ગુજ્જર નામનો શખ્સ પોતાના સાગરીતો સાથે મળીને ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થાની હેરાફેરી કરી રહ્યો છે. તેણે કાર પર ખોટી નંબર પ્લેટ લગાવેલી છે, બાતમીના આધારે પોલીસે લસકાણાથી કામરેજ તરફ જતા સર્વિસ રોડ ઉપર આવેલા બુલેટ ટ્રેન ઓવરબ્રિજ નજીકથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા
ક્રાઈમ બ્રાન્ચે દારુનો જથ્થો જપ્ત કર્યો
પોલીસે મૂળ રાજસ્થાનના વતની સુરેન્દ્ર ઉર્ફે મિસ્ત્રી શ્યામલાલ ગુજ્જર (ઉ.35) શીશરામ છોટુરામ ગુજ્જર (ઉ.41) અને અનીલ કુમાર બજરંગલાલ કુમાવત (ઉ.33) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસમાં તેઓની કાર પર ખોટી રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ લગાડી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ખોટી નંબર પ્લેટ, ઓરીજિનલ નંબર પ્લેટ તેમજ 3 મોબાઈલ અને ફોરવ્હીલ કાર મળી કુલ 15.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મહિલા બુટલેગરને પકડી પાડી
આરોપીઓની પૂછપરછમાં તેઓ ખોટી નંબર પ્લેટ લગાડી રાજસ્થાન ખાતેથી વિદેશી દારૂનો જથ્થો લાવી પાર્લેપોઈન્ટ સ્થિત નીલકંઠ હાઈટ્સમાં રહેતી અમી શાહને વિદેશી દારૂનો જથ્થો ડિલીવર કરીને આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં પણ રેડ કરી હતી. પોલીસે ત્યાં પાર્કિગમાં પાર્ક રહેલી કાર અને ઘરમાં તપાસ કરીને 5.26 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અમીબેન પ્રકાશભાઈ શાહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્યાંથી 5.26 લાખનો દારૂ અને કાર મળી કુલ 6.26 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો
આરોપીઓ સામે ગુના નોંધાયેલા
વધુમાં આરોપી અમી શાહ સામે અગાઉ પણ ઉમરા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયેલો છે. જ્યારે સુરેન્દ્ર ઉર્ફે મિસ્ત્રી શ્યામલાલ ગુજ્જર સામે અગાઉ નવસારી, પાંડેસરા, જહાંગીરપુરા, ડીંડોલી પોલીસ મથક મળી કુલ 4 ગુના પ્રોહીબીશનના નોંધાયેલા છે અને એક વખત પાસા પણ થયેલા છે. જયારે અનીલ કુમાર બજરંગલાલ કુમાવત સામે અગાઉ વલસાડ રૂરલ પોલીસ મથકમાં એક ગુનો અને પાસા પણ થયા છે.
