Surat News: સુરત મહાનગરપાલિકાના પૂર્વ (વરાછા) ઝોન-એ વિસ્તારમાં મહાવીર ચોક પાસે, પુણા ખાતે રૂ.6. 44કરોડના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલ તેમજ પુણા તળાવ પાસે રૂ.7.78 કરોડના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ
ગ્રાઉન્ડ+3 ની આ બંને શાળાઓમાં 36 કલાસરૂમોમાં ધો. 9થી 12 ના કુલ 1800 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે. આ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, એ.આઈ. (AI) લેબ, લાયબ્રેરી રૂમ અને મલ્ટીપર્પઝ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે.
આ પણ વાંચો
આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, અદ્યતન શાળાઓના નિર્માણથી સ્થાનિક વિદ્યાર્થીઓનું શિક્ષણસ્તર સુદ્રઢ બનશે અને સામાન્ય પરિવારના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું કામ કરશે.
ગરીબ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળશે
વધુમાં કહ્યું કે, આ શાળા નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારના મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના પરિવારોના બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે.
નવી શાળાના નિર્માણથી વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કારકિર્દીનું ઘડતર વધુ સારી રીતે થઈ શકશે અને તેમના શિક્ષણકાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, સ્થાનિક નાગરિકોએ નવી હાઈસ્કુલની ભેટ મળવા બદલ આનંદ વ્યક્ત કરી આ શાળા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે એવો મત વ્યક્ત કર્યો હતો.
મેયર, ડે. મેયર ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે મેયર શ્રીમતી માયાબેન માવાણી, ડે. મેયર સુધાકર ચૌધરી, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉમિલાબેન ત્રિપાઠી સહિત પદાધિકારી-અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને સભ્યો, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
