Surat: નાસીરનગરમાં કોણે કર્યું ભેદી ડિમોલિશન? વીડિયો પુરાવા સાથે કોંગ્રેસે કરી CP સમક્ષ રજૂઆત, મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

સુરત પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ આપી કોંગ્રેસે ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 09 Jun 2026 04:00 PM (IST)Updated: Tue, 09 Jun 2026 04:12 PM (IST)
surat-nasirnagar-demolition-mystery-congress-protests-gujarat-high-court

Surat Mysterious Demolition Controversy: સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસીરનગરમાં 10 દિવસ અગાઉ આશરે 100 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ અંગે સુરત મહાનગરપાલિકા (SMC) માં રજૂઆત કરતા તંત્રએ જવાબ આપ્યો હતો કે, 'આ ડિમોલીશન એમે કર્યું જ નથી.'

ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો સમગ્ર મામલો

સુરત મહાનગરપાલિકાનો જવાબ સાંભળીને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા છે અને છેલ્લા એક અઠવાડિયાથી "આ ડિમોલીશન કોણે કર્યું અને કોના ઈશારે થયું?" તેવા સવાલો સુરતમાં 'ટોક ઓફ ધ ટાઉન' બન્યા છે. આ ભેદી ડિમોલિશન મામલે હવે કોંગ્રેસ મેદાને આવી પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે, અને મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.

naidunia_image

કોંગ્રેસ દ્વારા મિલીભગતનો ગંભીર આક્ષેપ

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આ ઘટનાને સુરત શહેર માટે અત્યંત કલંકિત ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, દિવસના અજવાળે પોલીસ અને મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓની હાજરીમાં આ ડિમોલીશન થયું હોવા છતાં તંત્ર ધૃતરાષ્ટ્ર બનીને બેઠું છે.

વાયરલ થયેલા વીડિયોમાં કોણ-કોણ હતું?

કોંગ્રેસનો દાવો છે કે, વાયરલ થયેલા વીડિયોમાં સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના ઈજારદાર 'રામ એજન્સી' ના મશીનો અને મજૂરો કામ કરતા દેખાય છે. તેમજ કાર્યપાલક ઇજનેર જીવનરામજી વાલા સહિતના 25 જેટલા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં હાજર રહીને ડિમોલિશન કરાવતા હતા.

naidunia_image

બિલ્ડરના લાભાર્થે ગરીબોના ઘર તોડ્યા

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, આ સમગ્ર ડિમોલિશન એક બિલ્ડરના લાભાર્થે સોપારી લઈને કરવામાં આવ્યું છે. અસ્લમ સાયકલવાલાએ જણાવ્યું કે તેમણે મ્યુનિ. કમિશ્નરને 50 જેટલા વીડિયો પુરાવા રૂપે મોકલ્યા છે. જો ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો મ્યુનિ. કમિશનર પણ સંડોવણી હોવાની શંકા દ્રઢ બનશે. વધુમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડ્યે ભ્રષ્ટ અધિકારીઓના મોઢા કાળા કરતા પણ અચકાશે નહીં.

"જંગલરાજ જેવી સ્થિતિ, નોટિસ વિના તોડફોડ"

શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આ ઘટનાને 'જંગલરાજ' ગણાવતા જણાવ્યું કે, સાદા કપડામાં પોલીસ અને સરકારી મશીનરી આવીને 100 જેટલા લોકોના ઘરમાં લૂંટ ચલાવીને મકાનો તોડી નાખે છે. 112 પર ફરિયાદ કરવા છતાં કોઈ મદદ માટે ન આવ્યું. જ્યારે કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તો પાસે ગયા ત્યારે પોલીસે બળપ્રયોગ કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કે નોટિસ વિના જ આ કાર્યવાહી થઈ છે.

આ મામલે છેલ્લા 10 દિવસથી ન્યાયની માંગ સાથે કોંગ્રેસે પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ આપી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. વધુમાં, આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા છે. આ ભેદી ડિમોલીશનનું સત્ય શું છે અને કસૂરવારો સામે પગલાં લેવાશે કે કેમ, તે જોવું હવે મહત્વનું બની રહેશે.