Surat Woman suicide attempts: સુરત સિવિલ હોસ્પિટલમાં આજે રવિવારે એક ગંભીર બનાવ બન્યો. એક મહિલા કોવિડ બિલ્ડિંગના સાતમા માળે લિફ્ટના કામ માટે બાંધેલા વાંસના પાલખ પર ચડી ગઈ હતી. આ બનાવથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.
બાળકની સ્થિતિ જોઈ આઘાતમાં સરી પડી મહિલા
મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકની તબિયત નાજુક હોવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. પોતાના બાળકની આવી હાલત જોઈને મહિલા આઘાતમાં આવી ગઈ હતી. વધુમાં તેણે માનસિક સંતુલન ગુમાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
સાતમા માળે વાંસના સ્ટ્રક્ચર પર ચડી ગઈ મહિલા
કોવિડ બિલ્ડિંગમાં લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું, જે માટે વાંસનું સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું છે. આ મહિલા સાતમા માળે વાંસના સ્ટ્રક્ચર પર ચડી ગઈ હતી. આ અંગે જાણ થતા હોસ્પિટલનો સ્ટાફ અને લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મજુરા ફાયર ટીમ હોસ્પિટલ પહોંચી હતી.
આ પણ વાંચો: સુરતમાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોયા બાદ ઝગડો થયો, પત્ની પિયર જતી રહેતા પતિનો આપઘાત
ફાયરની ટીમે શરૂ કર્યું જોખમભર્યુ રેસ્ક્યુ
પ્રથમ તો ફાયર ટીમે મહિલાને નીચે ઉતરવા માટે ઘણી સમજાવી, પરંતુ મહિલા માની રહી નહોતી. આથી ફાયર ટીમના જવાનો મહિલાને નીચે ઉતારવા તેની પાસે જવા લાગ્યા. આ જોઈ મહિલા વાંસના સ્ટ્રક્ચર પર આમતેમ ભાગવા લાગી હતી. મહિલાના જીવને રહેલા જોખમને ધ્યાને લઈ ફાયર વિભાગે રેસ્ક્યુ શરૂ કર્યું.
મહિલાને બચાવી પરિવારને સોંપવામાં આવી
ફાયર જવાનોએ મહિલાને ચારેય તરફથી ઘેરી લીધી અને ધીરે ધીરે નજીક જઈને સાવધાનીપૂર્વક તેને પકડી લીધી. ત્યારબાદ વાંસના સહારે મહિલાને નીચે લાવવામાં આવી. અંતે મહિલાને સહીસલામત બચાવી લેવામાં આવી. ફાયર વિભાગે મહિલાને તેના પરિવારને સોંપી અને સમજાવટથી કામ લીધું હતું.
