Surat News: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. એક 25 વર્ષીય યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર યુવકે તેની પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોયા બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે પત્ની પિયર ચાલી ગઈ હતી. જોકે, મૃતકના સંબંધીઓએ હત્યા કરીને લટકાવી દીધાની ગંભીર શંકા વ્યક્ત કરી પોલીસ પાસે ઊંડાણપૂર્વક તપાસની માગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના વતની અને હાલ સચિન જીઆઇડીસી ખાતે મહાદેવ મંદિરની પાછળ આવેલા એક મકાનમાં રહેતા 25 વર્ષીય યુવક એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે તેની પત્ની અને એક પુત્ર સાથે રહેતો હતો. ગઈકાલે રાત્રે યુવકે પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવકના સંબંધીઓના જણાવ્યા અનુસાર, આશરે દસ દિવસ અગાઉ યુવકે તેની પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ લીધી હતી. આ બાબતને લઈને દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડા બાદ પત્ની રિસાઈને તેના પિયરમાં જતી રહી હતી. જેના 10 દિવસ બાદ યુવકનો મૃતદેહ લટકતી હાલત મળી આવ્યો હતો.
મૃતકના સંબંધીઓએ ઘટનાક્રમ પર ગંભીર શંકા વ્યક્ત કરી છે. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમને શંકા છે કે યુવકની હત્યા કરીને તેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે. મૃતદેહ જે રીતે લટકતો હતો તે જમીનને અડેલો હતો. છેલ્લા એક-બે મહિનાથી પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ તેની ચોક્કસ જાણકારી તેમને નહોતી. તેમણે પોલીસને આ મામલે સઘન તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
