Surat: ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો છે, ત્યારે નાગરિકોની સુરક્ષા અને પશુ-પક્ષીઓના જીવ બચાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત જાહેર માર્ગો પર પતંગ ચગાવવાથી લઈને જોખમી દોરીના ઉપયોગ પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે,
- જીવલેણ દોરી પર પ્રતિબંધ: નાયલોન, સિન્થેટિક મટીરિયલ, કાચનો ભૂકો કે લોખંડના પાઉડરથી કોટેડ કરેલી ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
- ઓનલાઈન વેચાણ પર રોક: ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી અને ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડની આયાત કે વેચાણ કરી શકાશે નહીં.
- ચાઈનીઝ તુક્કલ: આકાશમાં ઉડાડવામાં આવતા ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદવા, વેચવા કે ઉડાડવા પર સખત મનાઈ છે.
- સમય મર્યાદા: પક્ષીઓના રક્ષણ માટે સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.
- જાહેર સ્થળો પર મનાઈ: જાહેર માર્ગો, ફૂટપાથ કે ભયજનક ધાબા પરથી પતંગ ઉડાડવા તેમજ રસ્તા પર કપાયેલી પતંગ કે દોરી પકડવા દોડવા પર રોક લગાવાઈ છે.
- અવાજનું પ્રદૂષણ અને લખાણ: લોકોને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પતંગ પર કોઈની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો લખી શકાશે નહીં.
સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું આગામી 5 જાન્યુઆરી સોમવારથી લઈને 16 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. આ દરમિયાન જો કોઈ જાહેરનામાના નિયમોનો ભંગ કરતાં પકડાશે, તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
