Surat: સુરત SOG પોલીસની ટીમે શહેરના રાંદેર વિસ્તારમાંથી એક ઈસમને યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા સહિતના દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવતા ઝડપી પાડી બોગસ વિઝાના ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ આરોપી સામે અગાઉ 12 જેટલા ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
હકીકતમાં સુરતમાં SOG પોલીસની ટીમે બાતમીના આધારે રાંદેર ઝઘડિયા ચોકડી પાસે આવેલા સમોર રેસીડેન્સીમાં ઘરમાં રેડ પાડી હતી. જ્યાંથી પોલીસે આરોપી પ્રતિક ઉર્ફે અભિજિત નીલેશભાઈ શાહને તેના ઘરમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવવાના સેટ અપ સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે રેડના સ્થળ પરથી અલગ અલગ દેશના વિઝા સ્ટીકર નંગ -05, અલગ-અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ નંગ 08, ચેક રિપબ્લિક દેશનો સ્ટેમ્પ સિક્કો - 1 ,પેપર કટર નંગ 2, યુવી લેઝર ટોર્ચ 2, એમ્બોઝ મશીન 1, કોર્નર કટર મશીન 1, સ્કેલ નંગ 1, અલગ અલગ ઇન્કની બોટલ નંગ-9, યુરોપ દેશના હોલમાર્ક વાળા મોટા પેપર નંગ 46, કેનેડા દેશના હોલમાર્ક વાળા મોટા પેપર નંગ 73, યુરોપ દેશના હોલમાર્ક વાળા નાના પેપર નંગ 107, મેસેડોનીયા દેશના હોલમાર્ક વાળા મોટા પેપર નંગ 172, સર્બિયા દેશના હોલમાર્ક વાળા મોટા પેપર નંગ 243, યુકે દેશના હોલમાર્ક વાળા મોટા પેપર નંગ 42, 5 મોબાઈલ ફોન, કલર પ્રિન્ટર નંગ 2 અને લેપટોપ મળી કુલ 1.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ટ્રાવેલિંગ એજન્સી ચલાવતા અન્ય એજન્ટો સાથે મળી વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓની વિઝા અપાવવાના બહાને મસમોટી રકમ લઇ તેઓના અલગ અલગ દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવી તેઓ સાથે છેતરપિંડી આચરતા હતા. આ માટે આરોપી ચાઇનીઝ એપ્લીકેશનથી અલગ-અલગ દેશના હોલમાર્ક પેપર મંગાવી પોતાના લેપટોપ ઉપર કોરલ ડ્રો સોફટવેર આધારે અલગ-અલગ દેશના વિઝાના ફોર્મેટ ઉપર એડીટીંગ કરી ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો. એક વિઝા દીઠે 15 હજાર રૂપિયા મળતા હતા.
આ અંગે વિગતો આપતા DCP રાજદીપસિંહ નકુમએ જણાવ્યું કે, SOG અને PCB પોલીસની સંયુક્ત ટીમોએ આરોપી પ્રતિક ઉર્ફે અભિજિત નીલેશભાઈ શાહને રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
અભિજીત પાસેથી ટોટલ 1.30 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેની પાસેથી યુકે,કેનેડા, યુરોપ, સેરબીયા, મેસેડોનીયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવી છે.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે દિલ્હીની એક એજન્સી અને આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો. આ લોકો બે ત્રણ રીતે ચીટીંગ કરતા હતા. એક રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય જે દેશના ઝડપથી વિઝા ના મળતા હોય એવા દેશો યુરોપીય દેશોના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા. આટલું જ નહીં, કોઈને યુરોપમાં વિઝા જોઈતા હોય એની ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે એના સ્ટીકરો પણ બનાવતા હતા.
આ ઉપરાંત દિલ્હી વાળી જે એજન્સી છે, જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો પ્રતિક શાહ પાસેથી બનાવતા હતા અને આરોપી અહિયાંથી તે સ્ટીકર મોકલવાના 15 હજાર રૂપિયા વસુલ કરતો હતો. આરોપી વિરુદ્ધમાં અગાઉ 12 ગુના દાખલ થયેલા છે. બધા જ આવા ડોક્યુમેન્ટ ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે.
આરોપીએ પોતે ડીપ્લોમાં ઇન ઇલેક્ટ્રિક એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે. છેલ્લા દસેક વર્ષથી આ પ્રવુતિ કરે છે અને અગાઉ તેના વિરુદ્ધ પાસા પણ થયા છે. તેની પૂછપરછ દરમ્યાન દસેક વર્ષ દરમ્યાન તેણે 700થી વધારે સ્ટીકરો બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાના કારણે કોરલ ડ્રો અને સોફટવેર છે તેના ઉપર આ બની શકે છે તેવું તેને જાણ થતા ધીરે ધીરે તે ફેસબુકની અંદર આવા ગ્રુપોની અંદર તે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ તેનો આવા સ્ટીકરો બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને તે સ્ટીકરો બનાવતો હતો.
આરોપીની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે જે એજન્સીઓ કબુતરબાજી કરતી હોય કે કોઈ વ્યક્તિને અન્ય દેશમાં પુશ કરવાનો હોય તો એના માટે પણ બોગસ વિઝા બનાવીને આપતા હતા. ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહી તો તે વ્યક્તિ સાથે ચીટીંગ થયું એ રીતે આ લોકો ચીટીંગની પ્રવુતિ કરતા હતા
આરોપી સુરતથી જ ઓપરેટ કરતો હતો પરંતુ તે જેના સંપર્કમાં છે તે એક આણંદનો વ્યક્તિ છે, બીજો હર્ષ નામનો વ્યક્તિ જે બેંકકોક થાઈલેન્ડમાં રહે છે, આ ઉપરાંત દિલ્હીના બે વ્યક્તિ પરમજીતસિંહ અને અફલાક તથા સચિન શાહ દિલ્હીથી ઓપરેટ કરે છે. જે એજન્સી આને કામ આપતી હતી તે એક સ્ટીકરના 15 હજાર રૂપિયા આપતા હતા.