Mumbai Ahmedabad Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના સુરત–બિલીમોરા સેક્શનમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને 20 નવેમ્બર 2026ના રોજ સફળતાપૂર્વક વીજળીથી સક્રિય કરવામાં આવી છે. સલામતી અને નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટેકનિકલ ટીમોની કડક દેખરેખ હેઠળ નાના-નાના સેક્શનમાં તબક્કાવાર રીતે આ પ્રક્રિયા કરવામાં આવી હતી।
આ સેક્શનમાં એલિવેટેડ એલાઇનમેન્ટ પર અપ અને ડાઉન એમ બંને લાઇનોનો સમાવેશ થાય છે. આ પરિયોજનામાં આગળની ટેસ્ટિંગ પ્રવૃત્તિઓની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રગતિ છે.
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં અત્યાધુનિક 2 × 25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ વિશ્વભરની હાઇ-સ્પીડ રેલ પ્રણાલીઓમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન વીજળીકરણ તકનીકોમાંની એક છે.
આ 508 કિલોમીટર લાંબા કોરિડોરમાં કુલ 14 સ્થળોએ ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ સબ-સ્ટેશનો નેશનલ ગ્રીડમાંથી વીજળી મેળવશે અને હાઇ-સ્પીડ ટ્રેનોના સંચાલન માટે ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમને વીજળી પૂરી પાડશે.
ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા બિલીમોરાના પ્રથમ ટ્રેક્શન સબ-સ્ટેશનમાં કંટ્રોલ પેનલ, ચેન્જઓવર સ્વિચ, ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર બિલ્ડિંગમાં ઇન્સ્ટોલેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

સુરત-બીલીમોરા વચ્ચે 50 કિમી લાંબો એલિવેટેડ એલાઈનમેન્ટ, જેમાં એક સ્ટીલ બ્રિજ
ગુજરાતમાં આવેલા TSSને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ના 220 kV અંબેઠા ગ્રીડ સબ-સ્ટેશનમાંથી વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. સમગ્ર વિદ્યુત નેટવર્કનું મોનિટરિંગ એક કેન્દ્રીયકૃત કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવશે, જેથી સલામત અને વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરી શકાય.
સુરત–બિલીમોરા સેક્શનમાં બંને સ્ટેશનો વચ્ચે આશરે 50 કિલોમીટર લાંબો એલિવેટેડ એલાઇનમેન્ટનો સમાવેશ થાય છે. આ એલાઇનમેન્ટમાં ચાર નદીઓ પર બનેલા પુલ તેમજ નેશનલ હાઇવે-53 (NH-53) પર આવેલો એક સ્ટીલ બ્રિજ પણ સામેલ છે. આસપાસના વિસ્તારોમાં અવાજની અસર ઘટાડવા માટે આ વાયાડક્ટ પર આશરે 94,000 નોઇઝ બેરિયર્સ પણ લગાવવામાં આવ્યા છે.
રૂટની આસપાસ રહેતા લોકોને સલામતી માટે ખાસ સૂચના
ઓવરહેડ વીજ લાઇન શરૂ કરવામાં આવી હોવાથી, આ રૂટની આસપાસ રહેતા નાગરિકો, મુસાફરો, બાંધકામ શ્રમિકો અને સામાન્ય જનતાને ખાસ ચેતવણી આપવામાં આવે છે કે તેઓ વીજ ઉપકરણોની નજીક ન જાય, તેને સ્પર્શ ન કરે અને આસપાસ કોઈ પણ પ્રકારનું અનધિકૃત કામ ન કરે.
