Surat: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો દિવાળી અને છઠ્ઠ પર્વ નિમિત્તે પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ભીડને લઈને જાણીતા ચૂંટણી રણનીતિકાર અને જનસુરાજ પાર્ટીના અધ્યક્ષ પ્રશાંત કિશોરે રેલવે તંત્ર અને કેન્દ્ર સરકારને આડેહાથ લીધી છે.
બિહારના યુવાનો પૈસા ખર્ચીને ટિકિટ લે છે, છતાં ટ્રેનમાં જગ્યા નથી મળતી
પ્રશાંત કિશોરે પોતાની પાર્ટીના સત્તાવાર સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી બુલેટ ટ્રેનને લઈને પણ સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રશાંત કિશોર કહી રહ્યા છે કે, હાલ છઠ્ઠ પર્વ છે, ત્યારે સમગ્ર દેશભરમાં જેટલા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર બિહારના યુવાનો ધક્કા ખાઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, છઠ્ઠ પર્વમાં શ્રમિકોને હાલાકી ના પડે તે માટે 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે.
જો કે અનેક પરપ્રાંતિય શ્રમિકો બસ-ટ્રેનના દરવાજે લટકીને તો કોઈ શૌચાલયમાં બેસીને પોતાના વતન આવી રહ્યા છે. એકતરફ ગુજરાતના લોકો 1 લાખ કરોડની બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે. જ્યારે બિહારના લોકો પોતાના પૈસાથી ટિકિટ લઈને આવે છે, તો તેને ટ્રેનમાં બેસવાની જગ્યા પણ નથી મળી રહી.
બિહારના નેતાઓ અહીની જનતાને મુર્ખ બનાવી રહ્યા છે
આજે દેશના દરેક રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર બિહારના યુવાનો દંડા ખાઈ રહ્યા છે. ટ્રેનના દરવાજા અને શૌચાલયમાં બેસીને વતન આવી રહ્યા છે. બિહારના લોકોને આ સમજવા અને શીખવાની જરૂર છે કે, ગુજરાતના લોકો માટે એક લાખ કરોડની બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે બિહારના લોકોને છઠ્ઠ પર્વ પર વતન આવવા માટે પેસેન્જર ટ્રેન પણ નથી મળતી.
બિહારના યુવાનો જ્યારે ભણવા અને રોજીરોટી માટે દેશના અન્ય રાજ્યોમાં જાય છે, ત્યારે તેમને અભણ તરીકે જોવામાં આવે છે. બિહારના લોકોનું આત્મસન્માન મરી પરવાર્યું છે. જો કે બિહારના લોકો મુર્ખ નથી, પરંતુ અહીંના નેતાઓએ આપણને મુર્ખ બનાવી દીધા છે.
પ્રશાંત કિશોરના આક્ષેપ પર પશ્ચિમ રેલવેની સ્પષ્ટતા, ઉધના સ્ટેશનથી 111 ટ્રેનોની વ્યવસ્થા
પ્રશાંત કિશોર પરપ્રાંતિય શ્રમિકોને પડી રહેલી હાલાકીનો પ્રશ્ન ઉઠાવતા પશ્ચિમ રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, દિવાળીના 3 દિવસ પહેલા જ સુરતના ઉધના જંક્શનથી 111 ટ્રેનો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અત્યાર સુધી 2.70 લાખથી વધુ શ્રમિકોએ પોતાના વતન જવા રવાના થયા છે. જેનાથી પશ્ચિમ રેલવેને 10 દિવસમાં જ 8 કરોડની આવક થઈ છે.
39 સાંસદ આપનારા બિહારને માત્ર પેસેન્જર ટ્રેન
આ પહેલીવાર નથી, જ્યારે બુલેટ ટ્રેનને લઈને પ્રશાંત કિશોરે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હોય. અગાઉ તેમણે કહ્યું હતું કે, બિહારે નરેન્દ્ર મોદીને 39 સાંસદો આપ્યા છે, જ્યારે ગુજરાતે માત્ર 26 સાંસદ. આમ છતાં ગુજરાતના લોકો બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે. જ્યારે જે રાજ્યએ 39 સાંસદ આપ્યા છે, તે બિહારના ફાળે પેસેન્જર ટ્રેન. માત્ર 6 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતને બુલેટ ટ્રેન, જ્યારે 13 કરોડની વસ્તીવાળા બિહારને પેસેન્જર ટ્રેન.
