Nadidad News | Vadtaldham Diksha Mahotsav : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલધામ ખાતે શ્યામવલ્લભદાસજી સ્વામીના પુણ્ય સ્મૃતિ મહોત્સવ પ્રસંગે ધાર્મિક હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ પાવન પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદથી 21 પાર્ષદોએ સંસારનો પરિત્યાગ કરીને મોક્ષના માર્ગે પ્રયાણ કરતાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી.
લક્ષ્મીનારાયણદેવનો 202મો વાર્ષિક પાટોત્સવ યોજાયો
વડતાલધામ આંગણે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે ભગવાનભાઈ નાગરભાઈ પટેલ પરિવાર (અમદાવાદ)ના યજમાનપદે શ્રી લક્ષ્મીનારાયણદેવનો 202મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.
બ્રાહ્મ મુહૂર્તે સવારે 5:30 કલાકે મંગળા આરતી બાદ બૃહદ્ સ્નપન અને મહાઅભિષેક વિધિનો પ્રારંભ થયો હતો. મંદિરના ભૂદેવ ધીરેન મહારાજ અને પૂજારી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદ સહિત ભૂદેવોએ પૂજાવિધિ સંપન્ન કરાવી હતી. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી સહિત સંપ્રદાયના વડીલ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
21 પાર્ષદોએ શ્વેત વસ્ત્રો ત્યાગી ભગવા વસ્ત્રો ધારણ કર્યા
વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર સ્થિત ધર્મશાળા ખાતે સદગુરુ ગોપાળાનંદસ્વામીના સિંહાસન સમક્ષ દીક્ષા સમારોહ યોજાયો હતો. દીક્ષાર્થી 21 પાર્ષદોએ શ્વેત વસ્ત્રોનો પરિત્યાગ કર્યા બાદ ગુરૂજનોએ તેમને ભગવા વસ્ત્રો ધારણ કરાવ્યા હતા. જે બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે નવદીક્ષિત સંતોને કાનમાં ગુરૂમંત્ર આપીને આશીર્વાદ પાઠવ્યા હતા અને નામાભિધાન કરાવ્યું હતું. આ સમગ્ર દીક્ષાવિધિનું આયોજન મુનિવલ્લભ સ્વામીએ કર્યું હતું. આ સાથે જ આચાર્ય મહારાજના હસ્તે પોતાના 24 વર્ષના ગાદીકાળ દરમિયાન કુલ 960 પાર્ષદોને ભાગવતી દીક્ષા પ્રદાન કરવાનો ઐતિહાસિક સત્કાર્ય રેકોર્ડ નોંધાયો છે.
સંતાનોને સંત બનાવનાર માતા-પિતાનું મંચ પરથી વંદન
દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ નવદીક્ષિત સંતોએ નિજમંદિરમાં આચાર્ય મહારાજ અને વડીલ સંતો સાથે દર્શન કરી કથામંડળમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં હરિભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવ્યા હતા.
સભામાં વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસ સ્વામી અને ગઢપુર મંદિરના ચેરમેન શાસ્ત્રી હરિજીવનદાસ સ્વામીએ નવદીક્ષિત સંતોને નિષ્ઠાપૂર્વક સંપ્રદાયની સેવા કરવાનો સંકલ્પ કરાવ્યો હતો. આ પ્રસંગે પોતાના સંતાનોને ત્યાગના માર્ગે મોકલનાર 21 સંતાનોના માતા-પિતાનું મંચ પરથી પુષ્પવંદન કરવામાં આવ્યું હતું. યજમાન રોહિતભાઈ બલર અને રાકેશભાઈ દૂધાતે આચાર્ય મહારાજની ભાવવંદના કરી હતી.
8 બહેનોએ લીધી સાંખ્યયોગી તરીકે દીક્ષા
આ જ પાવન દિવસે પૂજ્ય લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળા માતૃશ્રીના હસ્તે 8 બહેનોએ સાંખ્યયોગી તરીકેની દીક્ષા ગ્રહણ કરી હતી. ગાદીવાળા માતૃશ્રીના હસ્તે અત્યાર સુધીમાં કુલ 364 સાંખ્યયોગી માતાઓને દીક્ષા પ્રદાન કરવામાં આવી છે.
વડતાલધામમાં અક્ષરભૂવનના ઉત્તમોત્તમ સ્થાપત્ય અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના સંશોધન કાર્યની સભામાં પ્રશંસા કરવામાં આવી હતી, જે આગામી શતાબ્દીઓ સુધી સંપ્રદાય માટે ઉત્તમ માધ્યમ બની રહેશે.
